
🥀🥀
ખાંડ ?
સાડાચાર રૂપિયે કિલો.
ઘઉં ?
ત્રણ રૂપિયે કિલો.
તેલ ?
સાડાઆઠ રૂપિયે કિલો.
બધી ચીજોના ભાવ વધતા જ રહે ત્યારે
હું ભગવાનને
એક જ વિનંતિ કરું છું:
પ્રભુ !
મારો જીગરી દોસ્ત
વરસને વચલે દહાડે
પોતાના નાનકાને મુંબઈ બતાવવા આવે,
ત્યારે
મને એવું કદી ન થાઓ
કે :
‘એ હવે ક્યારે જશે ?’
~ ગુણવંત શાહ (12.3.1937)
🥀🥀
લોક પૂછે છે :
આ કવિતા આવે છે ક્યાંથી ?
મને પણ થાય છે કે
આ વાયરો મૂળ ક્યાંનો વતની ?
મહાસાગરની રાષ્ટ્રીયતા કઈ ?
આ મેઘધનુષ ક્યાંથી redirect થઈને આવ્યું ?
ઝાકળના ગામનો પિનકોડ નંબર શો ?
ઊર્ધ્વમૂલ વૃક્ષ કઈ વાડીમાં ઊભું છે ?
અનંતના વહેણમાં અતીતનો ઓવારો ક્યાં આવ્યો ?
વૃક્ષને કલરવ ફૂટે એમ
મૌનને ફૂટે છે શબ્દ
ને ત્યારે
કવિ અને ઈશ્વર વચ્ચે
માંડ એક વેંતનું છેટું હોય છે.
~ ગુણવંત શાહ (12.3.1937)
‘વિસ્મયનું પરોઢ’ કવિનો સંગ્રહ.
ખૂબ જાણીતા ચિંતક અને નિબંધકાર શ્રી ગુણવંતભાઈને જન્મદિને વંદન

જન્મદિવસ ના ખુબ ખુબ અભિનંદન ગુણવંતભાઈ ના કાવ્યો પણ તમના લેખો ની જેમ માણવા લાયક ખુબ ગમ્યા
ગુણવંત શાહ ને મુબારકબાદી જેવા ફોટોગ્રાફ માં દેખાય છે તેવા હમેશ રહે અને ગુજરાતી.સાહિત્ય ના બધા ફાંટાઓને સમર્થ બનાવતા રહે❤️
નમસ્કાર સાથે કવિ, સાહિત્યકાર અને ચિંતક વડોદરાનું સાહિત્યિક ઘરેણું એવા આદરણીય ગુણવંત શાહને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.