વરસે ફોરાં
વરસે ફોરાં, આજ ફરી પાછાં વરસે ફોરાં,
આજ પ્રિયે ! પાછાં વરસે ફોરાં,
જેમ વિદાયની વેળ ઝમ્યાં’તાં
નેણ તારાં બે શામળાં ગોરાં !
આજ ફરી પાછાં વરસે ફોરાં.
કંઠને ભીડી બાથ તારા
હાથ વળગ્યા’તા, ભોળી !
ને પગ નીચેની ધૂળમાં કેવી
બેઠી હતી તું નેણવાં ઢોળી !
સૌરભભીની રેણ ને આપણા
ભીંજતાં’તાં બેય કાળજે-કોરાં !
ઢળું ઢળું તારી પાંપણો જેવી
આખરી ટીપું ખાળતાં ચૂકી,
નખરાળી ત્યાં એક સૂકી લટ
ઉપરથી જાણે ઝીલવા ઝૂકી !
મૌનનાં ગાણાં ગાઈ થાકેલા
હોઠ તારા જ્યાં ઊઘડ્યા કે
મેં હળવે કેવા પી લીધા’તા વેણ-કટોરા !
આજ ફરી પાછાં વરસે ફોરાં.
મનને મારે ખોરડે આજેય
ચૂવતી જાણે આંખડી તારી,
(ને) ધીમે ધીમે જાણે વચલી વેળની
ધૂળ ધોવાતી જાય અકારી;
આપણો મેળ એ નેણને નાતે
વેણ ઠાલાં શીદ વાપરી કે’વું – આવજો ઓરાં !
~ ગુલામ મોહમ્મદ શેખ
પ્રિયની ભીની ભીની યાદનું કેવું મજાનું ગીત. ‘વરસે ફોરાં’નો અનુભવ થયા વિના ન રહે….
મરુસ્થલે મોતીમઢ્યું આ નગર
મરુસ્થલે મોતીમઢ્યું આ નગર,
એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તરવારોના તોરણ.
સાંજના અજવાળે ભીંતો
નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.
ફળિયે ફરે બેચાર બકરાં શ્યામ
ડેલી બા’ર ડહેકાર દે કામઢું ઊંટ.
વચલી વંડીએ સુકાય રાતા ચીર
અંદરને ઓરડે ફુગાઈ ગયેલા અંધારે
ફરફરે ઢીલી વાટ.
લાલચટાક ચૂલાની ઝાળ
અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.
~ ગુલામ મોહમ્મદ શેખ
એક નગરને તાદૃશ કરતું શબ્દચિત્ર !
કવિને જન્મદિને સ્નેહવંદન

ગીતનો લય,શબ્દોની કોમળતા અને આબેહૂબ ચિત્રો ઊભા કરતું સચોટ નગર-વર્ણન કોને ન લોભાવે?
વાહ બન્ને રચનાઓ ખુબ સરસ અભિનંદન
રચનાઓ દ્વારા ચિત્ર ઉપસાવવામાં કવિ સફળ થયા છે.અભિનંદન.
વાહ, શબ્દો, મજાનું ગીત.