
🥀🥀
*ત્રણ પ્રતિજ્ઞાઓ*
હું બુદ્ધને શરણે નહીં જાઉં
બુદ્ધ મને મારાં દુઃખોનું ભાન કરાવે છે
હું અ–બુધને શરણે જઈશ
એ મને મારા સુખનો ખ્યાલ આપશે
હું ધર્મને શરણે નહીં જાઉં
ધર્મ જાતજાતનું ભૂસું ભરી
મને ભારેખમ બનાવે છે
હું અ–ધર્મને શરણે જઈશ
એ મને હળવો ફૂલ રાખશે
હું સંઘને શરણે નહીં જાઉં
સંઘ મારી વાણીને છિનવી લેશે
હું જંગને શરણે જઈશ
જંગમાં મારું પોતાનું શસ્ત્ર,
પોતાનો હોંકારો હશે.
~ ચન્દ્રકાન્ત ટોપીવાળા
ભગવાન બુદ્ધે સ્થાપેલાં બૌદ્ધ ધર્મના મુખ્ય ત્રણ સિદ્ધાંત : बुद्धं शरणं गच्छामि. धम्मं शरणं गच्छामि. संघं शरणं गच्छामि
બુદ્ધ, ધર્મ અને સંઘ આ ત્રણ સંજ્ઞાઓ ઝીલી આ શબ્દોને કવિ પડકારે છે. એની સામે પોતાનું આહ્વાહન રજૂ કરે છે. કવિ કદી ટોળામાં નથી માનતો, ટોળાની ભાષા એને સદતી નથી એ જ કારણ….
*****
*ગતિ-સ્થિતિ*
બહુ બહુ બહુ પાંખો
ફરકાવી ફરકાવી ફરકાવીને
રંગો રંગો રંગો
ઉડાડી ઉડાડી ઉડાડીને
ઘાસિયાં મેદાનો પર
મંડરાઈ મંડરાઈ મંડરાઈને
ફૂલ ફૂલ ફૂલ પર બેસણાં
કરી કરી કરીને
સુગંધોને પી પી પીને
આકંઠ ધરાઈ ધરાઈ ધરાઈને
કર્યો છે તરબોળ
તરતો તરતો તરતો મારો સમય!
બહુ થયું
હું હવે ઉફરો માર્ગ લેવા ધારું છું
હું ફરી કોશેટાની ઇચ્છા રાખું છું
ફરી કોશેટામાં ભરાઈ
ફરી ઇયળ બની
અંતે
ફરી ઈંડું થઈ ફૂટી જવા ચાહું છું.
હું ગતિ નહીં,
હવે સ્થિતિની શોધમાં છું.
~ ચન્દ્રકાન્ત ટોપીવાળા
‘અતિ સર્વત્ર વર્જયેત’ એ શબ્દો સનાતન સત્ય છે. રમવાની, ફરવાની, ખાવા-પીવાની, લખવાની, વાંચવાની, મજા કરવાની એક હદ હોય છે અને પછી માનવી એનાથી થાકી જાય છે. દુખથી તો થાકે જ છે પણ ખુશ રહીનેય થાકે છે !! કામથી વિરામનો સમય, ગતિમાંથી સ્થિત થઈ જવાની ઈચ્છા…. આ જ જીવન.
*****
*સ્વાંગ*
મારી સામે એક વરુ છે
એક ઘેટું છે
બંને બાજુબાજુમાં ઊભેલાં છે.
ખબર નથી
એમાં ઘેટું એ ખરેખર ઘેટું છે
કે
વરુ એ ખરેખર વરુ છે.
ખબર નથી
વરુએ કદાચ
ઘેટાનો સ્વાંગ ધર્યો હોય
કે ઘેટાએ કદાચ
વરુનો સ્વાંગ ધર્યો હોય
ખબર નથી
હું એમની સામે છું
કે
તેઓ મારી સામે છે.
ખબર નથી
મારા સ્વાંગની
એમને ખરેખર ખબર પડી ગઈ હશે ?
~ ચંદ્રકાન્ત ટોપીવાળા
મહોરા પહેરવા એ માણસનો સ્વભાવ હોય તોયે એનો ડર પણ હોય જ છે…..
*****
*હસ્તક્ષેપ*
જૂનું તો થયું
દેવળ જૂનું; એમાં
તારું શું ગયું ?
દિલમાં દીવો
કરો રે દીવો કરો;
રાડો ન પાડ.
બ્રહ્મ લટકાં
કરે બ્રહ્મ પાસે; તું
ચાડી ન કર.
આ તન રંગ
પતંગ સરીખો; તો
ઊડ, રાજી થા.
તરણાં ઓથે
ડુંગર કો ન દેખે;
સાલ્લાં આંધળાં.
વ્રજ વહાલું રે
વૈકુંઠ નહિ આવું;
મેં ક્યાં બોલાવ્યો ?
ઊભા રહો તો
કહું એક વાત; હું
નવરો નથી.
પ્રેમની પીડા
તે કોને કહીએ ? ભૈ
કોઈને નહીં.
મને લાગી રે
કટારી પ્રેમની; હા
કાટ ખાધેલી.
જાગીને જોઉં
જગત દીસે નહિ;
પાછો સૂઈ જા.
~ ચંદ્રકાંત ટોપીવાળા
હળવાશથી કહેવાતી જૂના સાથે નવી વાત !

ખૂબ જ સરસ કાવ્યો ચયન. પુરાકલ્પન કે જાણીતી વિચાર ધારાને લઈ કાવ્ય કરવું ખૂબ સમજણ માગી લે છે.
વાહ, સરસ રસદર્શન
વાહ વાહ વાહ
બધાજ કાવ્યો ખુબ સરસ ખુબ ગમ્યા
કાવ્યો અલગ બાનીમાં લખાયેલાં છે. એકધાર્યાપણાથી કવિ જુદી કેડી કંડારે છે. રસ વિષેની ટિપ્પણી સરસ છે.અભિનંદન.
સુંદર, તાજાં, મૌલિકતા અને નવીનતાથી છલોછલ કાવ્યો. સાથે નાનકડી અર્થમધુર ટિપ્પણી. આનંદ.
આભાર સોનલબેન