ચંદ્રકાંત દત્તાણી ~ બે ગીતો * Chandrakant Dattani  

મીણનાં

કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!…

માણસના આવડા આ મેળા ને તોય અહીં
માણસ તો એકલાં ને એકલાં,
તળથી તે ટોચ લગી ડુંગર છે આયખાં
ને વેગ, હાય, કીડીના જેટલા;
કાગળની હોડીથી કરવાનાં પાર ધોમ
સૂસવતાં રણ હવે કેટલાં ?

મુઠ્ઠી હાડકાંનાં પિંજરને દઈ દીધા
ખાલીપા જોજનવા ખીણના!
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!

પાંદડુંક લીલપના પડછાયે પડછાયે
એવું લાગ્યું કે વંન ખોયાં,
ઝાંઝવાનાં વીંઝાતા દરિયે ડૂબીને પછી
આંખોનાં ઝળઝળિયાં રોયાં,
જીવતર બીવતર તો બધું ઠીક મારા ભાઈ!
અમે મરવાની વાત પર મ્હોયાં.

ચરણોને ચાલવાનું દીધું સરિયામ
અને રસ્તાઓ દઈ દીધા ફીણના!
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!

~ ચંદ્રકાન્ત દત્તાણી

કવિ ચંદ્રકાંત દત્તાણીની પૂણ્યતિથીએ સ્મૃતિવંદના

પાંદડું લીલાશ

આ પાર કાળઝાળ ખેતર અમારાં
ને ઓલી પા લીલી તારી લખલખ મોલાત,
એક પાંદડું લીલાશ તો આપ, મારા વા’લમા,
પાંદડું લીલાશ તો આપ…

સાવ રે એકાન્તના ઓછાયા પી-પીને
કેમ રે વિતાવવી રાત,
પીળા પવંનની પીંછીથી ચીતરવી
કેમ કરી વેદનાની વાત.
સામટું આકાશ ભલે આપ નહિ, વા’લમા,
પણ ચપટી નીલાશ તો આપ!
મારા વા’લમા, પાંદડું લીલાશ તો આપ…

કોરીમોરી કેડીઓની ડાળ ઉપર ફૂટે ના
પગલાંનાં કોઈ પારિજાત,
આવન ને જાવનના સૂના કંઠાર વચ્ચે
બળબળતાં રણની બિછાત.
ઘેઘૂર ભીનાશ ભલે આપ નહિ, વા’લમા,
પણ ભીનો આભાસ તો આપ..
મારા વા’લમા, પાંદડું લીલાશ તો આપ…

આંખોના ઓગળતા સૂરજ પર ઊગે હવે
ભૂરાં અંધારાંની ભાત,
ઓસરતાં ઝાંઝવાનાં જળમાં ડૂબે રે મારી
ઝંખનાની મોંઘી મિરાત.
ભર્યા ભર્યા શ્વાસ ભલે આપ નહિ, વા’લમા,
પણ ખાલી નિશ્વાસ તો આપ!
મારા વા’લમા, પાંદડું લીલાશ તો આપ….

~ ચંદ્રકાંત દત્તાણી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “ચંદ્રકાંત દત્તાણી ~ બે ગીતો * Chandrakant Dattani  ”

  1. શ્રી ચંદ્રકાંત દત્તાણી આપણા એક સ-રસ ગીત કવિ છે.તેમની રચનાઓ અનેક રીતે વિશિષ્ટ અને અભ્યાસપાત્ર છે.તેમને પણ યોગ્ય ન્યાય નથી મળ્યો તેવું મારું અંગત માનવું છે. કવિશ્રીની
    પૂણ્યતિથી વંદન! “કાવ્ય વિશ્વ” એ ચંદ્રકાંત દત્તાણીને યાદ કર્યા તે આનંદની વાત છે..
    પ્રફુલ્લ પંડ્યા

  2. 'સાજ' મેવાડા

    કવિની બંને રચનાઓ ખૂબ જ સુદર લયવાળી છે. વંદન.

  3. લલિત ત્રિવેદી

    સરસ ગીતો… કવિ શ્રી રમેશ પારેખ ના સમકાલીન કવિને આપે રૂડા યાદ કર્યા….

Scroll to Top