ચંદ્રકાંત શાહ ~શબ્દને વાળો કે ચોળો કે * Chandrakant Shah

🥀 🥀

*ગુજરાતી કવિઓને ધાકધમકી*

શબ્દને વાળો કે ચોળો કે બે પગની વચ્ચે રગદોળો
પણ ખબરદાર ! હાથ જો લગાડ્યો છે
આંખ કે અવાજ કે આકાશને તો –

શબ્દને પથ્થરની જેમ ભલે ભાંગો
કે પાંચીકાની જેમ છો ઉછાળો
પણ ખબરદાર ! ઊંચી કરીને આંખ જોયું છે 

સાંજ કે સમુદ્ર કે સુવાસને તો –

શબ્દોના ખાતે ઉધાર કીધી કેટલી અનુભૂતિ, 
કેટલી અભિવ્યક્તિ, કેટલા વિચારો !
રોકડામાં સિલ્લક છે જાત અને ‘કવિરાજ’

શબ્દ એક એકલોઅટૂલો બિચારો !
શબ્દોને દાઢીને જેમ ઉગાડો કે

બુકાની બાંધવાને મોં પર વીંટાળો
પણ ખબરદાર ! બત્રીસી તોડી નાખીશ જો બતાવ્યા

છે બિંબપ્રતિબિંબને કે આસપાસને તો –

શબ્દોને ઠોકી ઠોકીને કીધા ગાભણા ને એમાંથી 
કાઢ્યાં કૈં કોટિ કરોડ નવા શબ્દના ઈંડાઓ
શબ્દોને ચાવીને, ચૂંથીને, ધાવીને, ઝધ્ધીને ઝધ્ધીના
કવિઓએ ઠોક્યા છે ગુજરાતી શબ્દના ભીંડાઓ
દોસ્તો! આ શબ્દોને તોડો કે ફોડો કે આંગળી કરીને ઢંઢોળો
પણ ખબરદાર ! છેટા રહેજો બધાંય મૌનથી મકાનથી ને
પડશે તો અડશો ઉજાશને તો –

~ ચંદ્રકાંત શાહ (24.7.1956 – 4.11.2023)

કવિને સ્મૃતિવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “ચંદ્રકાંત શાહ ~શબ્દને વાળો કે ચોળો કે * Chandrakant Shah”

  1. Kirtichandra Shah

    રચના રમતિયાળ અને મસ્તીભરી તો છેજ એથી વિશેષ કંઈ સાર્થકતા હોય તો મને નથી સમજ

  2. ગુજરાતી કવિઓ આડેધડ શબ્દો ઉછાળી કવિતા લખે છે એને કવિ વારંવાર ‘ખબરદાર ‘કરે છે.એ શબ્દથી ચેતવે પણ છે ને ધમકી પણ આપે છે.
    કવિને વંદન.

Scroll to Top