ચંદ્રકાંત શાહ ‘સુમન’ ~ કાં પધારી * Chandrakant Shah ‘Suman’

*મનાવ્યાં તો નથી*

કાં પધારી એ રહ્યાં છે મેં પુકાર્યાં તો નથી;
ખુદબખુદ માની ગયાં છે? મેં મનાવ્યાં તો નથી.

કાં તરંગોમાં ઉમંગો હું નિહાળું છું ભલા?
સાગરે કોઈ ઉમંગીને ડુબાડ્યા તો નથી?

દ્વાર પર આવીને મારે છે ટકોરા કોઈ,
અંધ કિસ્મત, તું જરા જો એ પધાર્યાં તો નથી?

ના ઘટા છાઈ શકે આવી કદી વૈશાખે,
એમણે મારા પ્રણયપત્રો જલાવ્યા તો નથી?

કેદ લાગે છે જીવન એણે નજર કીધા પછી,
એમણે અમને જિગર માંહે વસાવ્યા તો નથી?

ઓશીકું ભીનું થયું કેમ રુદન કીધા વગર,
અમને દિલબર! તમે સપનામાં રડાવ્યા તો નથી?

કેમ ખારાશ છે આવી એ સમંદરનાં જલે?
આંખ! બે આંસુ કિનારે તેં વહાવ્યાં તો નથી?

યાદ કાં આવે નહીં મુજને મિલન કેરી મઝા,
એ પ્રસંગો તમે પાલવ તળે ઢાંક્યા તો નથી?

~ચંદ્રકાંત શાહ સુમન (18.7.1938)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top