ખાલીપો
ખાલીપો ખખડે છે ખોળિયાને ઠામ!
કેમે ઉકેલવા જીવતરના કોયડા?
આગિયાનાં અજવાળાં દેજો હે રામ!
જીરવ્યા આઘાતો ને વેરઝેર પીધાં
ને એમ કરી અટવાતા પાય,
ભર્યા ભર્યાં ખેતર સૌ પાધર બન્યાં
ને આમ વાડયો તૂટી ને ગળી કાય.
જંતરમાં ઝણકે છે તમ્મારું નામ,
આગિયાનાં અજવાળાં દેજો હે રામ!
જોયાં-જાણ્યાંનાં વખ ઘેરી વળ્યાં
ને આમ મારગ સૌ ફંટાતા જાય,
દૂરના દરબારના દરવાજા દેખું
ને તોય પાછું જોવાનું મન થાય.
ખૂટ્યાં છે ભાન અને તૂટ્યા છે જામ,
આગિયાનાં અજવાળાં દેજો હે રામ!
ખાલીપો ખખડે છે ખોળિયાને ઠામ!
~ ચંદ્રકાંત સાધુ (જ.3.12.1938)
કાવ્યસંગ્રહ ‘કાંઠા વિનાની વાવ’
જન્મદિવસે સ્મૃતિવંદના

સરસ કાવ્ય ખુબ ગમ્યુ
કાવ્યો ખૂબ સરસ, ‘આગિયાનાં અજવાળાં’ આને ‘ખાલીપો’ સાથે લાવી કવિએ કમાલ કરી છે. સ્મૃતિ વંદન.