પેરેડી
આપે ન કો’ ઉધાર, તમારા ગયા પછી,
આવે છે લેણદાર, તમારા ગયા પછી !
દરરોજ જોઉં છું હું ફિલમ ત્રીજા ખેલમાં,
ના કોઈ ટોકનાર, તમારા ગયા પછી !
તેજીમાં કાલ જે હતી મંદીમાં આવી ગઈ,
શૃંગારની બજાર, તમારા ગયા પછી !
ઘર-કામ કાજ વહેલો હું ઉઠતો’તો પણ હવે,
મોડી પડે સવાર, તમારા ગયા પછી !
‘બદમાશ’, ચોર, ગુંડા, લફંગા મળી બધા,
ઘરમાં રમે જુગાર, તમારા ગયા પછી !
~ ચંદ્રકાન્ત અંધારિયા ‘બદમાશ’
મૂળ રચના
દિલને નથી કરાર તમારા ગયા પછી ,
આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી…
યત્નો કર્યા હજાર તમારા ગયા પછી ,
લાગ્યું ન દિલ લગાર તમારા ગયા પછી…
વીતી રહ્યો છે એક સરીખો સમય બધો,
શું સાંજ શું સવાર તમારા ગયા પછી…
ખીલે તો કેમ ખીલે કળી ઉર-ચમન તણી ,
આવી નથી બહાર તમારા ગયા પછી…
મહેફિલ છે એ જ એ જ સુરા એ જ જામ છે ,
ચડતો નથી ખુમાર તમારા ગયા પછી….
જીવતો તાંતણો છે તમારા જ દમ સુધી ,
તૂટી જશે ધરાર તમારા ગયા પછી…..
‘નાઝિર‘ને છેક ઓશિયાળે ને તમે કરો,
કરશે ન કોઈ પ્યાર તમારા ગયા પછી….
‘નાઝિર‘નો સાથ છોડી જનારા જરા કહો,
કોને કરે એ પ્યાર તમારા ગયા પછી…..
~ નાઝિર દેખૈયા

Liked original by Nazir Dekhaiya.