ચંદ્રકાન્ત શાહ ~ આમ જગતમાં * Chandrakant Shah

હું માણસ છું કે?

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું, હું માણસ છું કે?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું, હું માણસ છું કે ?

દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે,
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું, હું માણસ છું કે?
આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું, હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો
ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું, હું માણસ છું કે?
ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું, હું માણસ છું કે ?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું, હું માણસ છું કે ?

~ ચંદ્રકાન્ત શાહ

કવિનો આજે જન્મદિવસ. એમની શબ્દચેતનાને વંદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “ચંદ્રકાન્ત શાહ ~ આમ જગતમાં * Chandrakant Shah”

  1. માણસ છું કે? એવો સવાલ પૂછીને કવિએ કમાલ કરી છે. એમની શબ્દ ચેતનાને શત શત વંદન 🙏

Scroll to Top