

ચાંદ પર આવ્યો જુઓ ~ દિલીપ ધોળકિયા ‘શ્યામ’
ભારત તણો વિશ્વાસ છેવટ ચાંદ પર આવ્યો જુઓ
આનંદનો અવસર અનેરો દિલ મહીં લાવ્યો જુઓ.
સૌ દેશ આજે માનશે ભારત તણી ગૌરવ કથા,
આજે ત્રિરંગો શાનથી લો ચાંદ ફરકાવ્યો જુઓ.
જ્યાં વેદ વાણી ગૂંજતી, આ દેશ છે દેવો તણો,
વિજ્ઞાન સાથે ધર્મ રાખી જગમાં ચમકાવ્યો જુઓ.
આતો હજુ શરૂઆત છે, બાકી ઘણાં આયામ છે
ભરપૂર માનવતા મહીં ભારતને મ્હેકાવ્યો જુઓ.
છે વિશ્વ બંધુત્વ તણી મિશાલ ભારત જોઈ લો
આ એકતાનો ભાવ દિલથી આજ છલકાવ્યો જુઓ.
નાતો હજારો યુગ તણો છે ચાંદ સાથે આપણો
હા, આજ ચંદ્રયાન લઈને ચાંદ પર પહોંચ્યો જુઓ.
~ દિલીપ ધોળકિયા ‘શ્યામ’
સંકલિત સામગ્રી
ચંદ્ર પર ~ ડૉ. ધીરજ એસ. બલદાણિયા
ચંદ્ર પર મારુંય ખુદનું ઘર હશે!
સહુ સગાં ત્યાં આવવા તત્પર હશે!
રોજ જે બકરીને હું જોતો હતો,
એય મારા આંગણા ભીતર હશે!
‘ડોશીમા’ જે દૂર દેખાતાં હતાં,
એમનો હાથ આજથી શિર પર હશે!
ચંદ્રયાને ચકચકિત ફોટા લીધા,
કેટલા ત્યાં સ્વર્ણના પથ્થર હશે!
‘ચંદ્રમામા’ આટલા સોહાય, તો,
‘રોહિણી મામી’ય શું સુંદર હશે!
સાંભળ્યું – ત્યાં ‘ગ્રેવિટી’ છે સોળ ટકા,
‘છગ્ગો’ મારો છ ગણ્યો અધ્ધર હશે!
ચંદ્રયાન એકમેવ, દક્ષિણે જતાં,
દેશ મારો, વિશ્વથી સધ્ધર હશે!
જોઈ તપ વૈજ્ઞાનિકોનું આકરું,
થાય – એનાં રૂપમાં ઈશ્વર હશે!
ફાવી જાશે ત્યાંની જો આબોહવા,
તો, ‘ધીરજ’નું સો વીઘા ખેતર હશે!
~ ડૉ. ધીરજ એસ. બલદાણિયા
સંકલિત સામગ્રી

બન્ને સર્જકની રચનાને વધાવુ છું.
બન્ને રચનાઓ ખુબ સરસ
તમામ રચનાઓ ખૂબ જ ઉત્કૃષ્ટ….ખૂબ ખૂબ અભિનંદન સૌ સર્જક મિત્રોને….અને મારી રચનાને સ્થાન આપવા બદલ આભાર…👍👍🌹🌹🙏🙏
બન્ને સર્જકની રચનાઓ ખૂબ સરસ.