ચંદ્રવદન ચી. મહેતા ~ એક આવ્યું એવું & પ્રભો ! છંકારી દે * Chandravadan C Maheta  

અજવાળું

એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી

તરતું, સરતું, ઝરતું, નીકળ્યું,
ભવમાં એ ભટકાણું જી
ક્યાંથી સરક્યું, જ્યોતિ મલક્યું

ઘરમાં ક્યાંક ભરાણું જી
એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી

પંચામૃતની મટકી ઘૂંટી,
મટકીમાં બંધાણું જી
જાતું પાછું જ્યાંથી આવ્યું,

ભેદ ન એનો જાણું જી
એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી

અજવાળું એ આપ અનોખું,
નોખું શેં પરમાણું જી
અજવાળે અજવાળું ભળતાં

ઊકલે એ ઉખિયાણું જી
એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી

~ ચંદ્રવદન ચી. મહેતા (6.4.1901-4.5.1991)

જન્મદિને કવિને સ્મૃતિવંદન

પ્રભો

પ્રભો ! છંકારી દે સકળ ગ્રહ, તારા, ઉદધિમાં,
અને સંકેલી લે ઘડીક મહીં આ રાસ રમવા;
ચઢી ચોપાસે જો, પ્રલયપૂર વ્યાપે પલકમાં,
ગ્રહી લેજે મારું દૃગજલ, ખૂટ્યે શક્તિમહિમા !

ત્રુટે ગેબી ગુહા, અનલ સરખા વિશ્વ ફરતા
ફરે ઝંઝાવાતો, ફરી ફરી બધુંયે જગ સીઝે;
ખૂટે એ વાયુ તો હૃદયભરમાં દાહ દવતા
નિસાસામાંથીયે પ્રલયપૂર તો એક ગ્રહજે !

અને પ્હાડોના જો, વીજતણખથી કોઠ જ ફૂટે,
ઊના અંગારાથી ગગનપટ વ્યાપે રજેરજે,
પરંતુ વજ્રો-શા દૃઢ વીજકડાકા કદી ખૂટે,
અરે આ હૈયાની ઉરધબક એકાદ ગ્રહજે !

નિસાસા, આંસુ ને ઉરધબક સર્વે મુજ વહી
થશે નક્કી દેવા ! તુજમય નવા સર્જન મહીં.

~ ચંદ્રવદન મહેતા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “ચંદ્રવદન ચી. મહેતા ~ એક આવ્યું એવું & પ્રભો ! છંકારી દે * Chandravadan C Maheta  ”

Scroll to Top