ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ ~ વૃક્ષ નથી * Chandresh Makwana

વૃક્ષ નથી વૈરાગી

એણે એની એક સળી પણ ઇચ્છાથી ક્યાં ત્યાગી

વૃક્ષ નથી વૈરાગી

જેમ ખૂટ્યાં પાણી સરવરથી

જેમ સુકાયાં ઝરણાં

જેમ ભભકતી લૂ લાગ્યાથી

બળ્યાં સુવાળાં તરણાં

એમ બરોબર એમ જ એને ઠેસ સમયની લાગી.

વૃક્ષ નથી વૈરાગી….. 

તડકા-છાયા અંદર હો કે બ્હાર

બધું યે સરખું

શાને કાજે શોક કરું હું

શાને કાજે હરખું

મોસમની છે માયા સઘળી જોયું તળ લગ તાગી.

વૃક્ષ નથી વૈરાગી…. 

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

કવિ ચંદ્રેશ મકવાણાનું આ ખૂબ જાણીતું ગીત. વૃક્ષ વિશેની એમની વાત આપણે ક્યારેય નથી સાંભળી એવી. તદ્દન મૌલિક. વૃક્ષ માટે આપણે કેટલું કેટલું વાંચ્યું હોય ! પરોપકાર અને સેવાના ભેખધારી વૃક્ષને સમાજ જાણે છે પણ એનો સાવ છેદ ઉડાડી દઈને વૃક્ષને એક વૃક્ષ તરીકે મૂકી દીધું છે. પ્રકૃતિના તત્વો સાથે જે સહજ નિર્માયું હોય એ જ થયા કરે છે. એમાં એની મરજી-નામરજીનો કોઈ સવાલ નથી હોતો તો એમાં કોઈ ભાવ-અભાવ પણ સવાભાવિક જ ન હોય ! આ તો માનવમનની કલ્પના છે કે વૃક્ષ નિસ્પૃહ  સેવા આપે છે. એ કલ્પનાની સાથે આ કલ્પના પણ એટલી જ કાવ્યમય લાગે છે.

ગીતમાં વૃક્ષની વાત સાથે કવિએ માનવમનને સરસ સાંકળી લીધું છે. ‘શાને કાજે શોક કરું હું, શાને કાજે હરખું !’  કવિને શુભકામનાઓ.

25.9.21

***

લલિત ત્રિવેદી

26-09-2021

સરસ ગીત

સુરેશ’ચંદ્ર’રાવલ

25-09-2021

ચદ્રેશભાઈનુ સુંદર એવું ગીત …વૃક્ષને નથી અભિમાન …એક મૂક સેવક બની બધી રૂતુમાં અડિખમ…! ક્યાં ય કોઈ ના ફરિયાદ …અંત સમયે પણ રાખ બની ખરવાનુ ….પણ તેનાં ત્યાગ સામે માનવ કેવો સ્વાર્થી …?

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

25-09-2021

ખૂબજ સરસ અભિવ્યક્તિ, વૃક્ષ સાથે માનવિય સંવેદના જોડાઈને અદ્ભૂત ભાવવિષ્વ ખડુ થયું છે.

Varij Luhar

25-09-2021

વાહ. વૃક્ષ નથી વૈરાગી.. ખૂબ સરસ ગીત

છબીલભાઇ ત્રિવેદી

25-09-2021

આજનુ ચંદ્નેશ મકવાણા સાહેબ નુ વ્રુક્ષ નથી વૈરાગી ખુબ નવિનતા વાળુ કાવ્ય આનેજ કવિ ની પોતિકી મૌલિકતા કહેવાય બાકી સિધે રસ્તે તોબધાજ ચાલે પણ પોતે પોતાનો રસ્તો ખુદ બનાવે તેજ સાચો આવી વિવિધ રચના ઓથી કાવ્યવિશ્ર્વ સમ્રુધ્ધ બન્યું છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top