લે, લાવ્યો છું
લે, લાવ્યો છું મારાં સઘળાંયે ગીત
મને બદલામાં આપી દે તારું એક સ્મિત
વાદળની છાંય આપું, અંકાશી ઝાંય આપું
લહેરાતા ઘાસની આપું પથારી
માગે તું, તે જ આપું, દરિયાનો ભેજ આપું
ઊછળતાં મોજાં પર આપું સવારી
હાથોમાં હાથ દે, તારી ૨ગે રગે વહેશે
મારા મનનું સંગીત
ઘૂઘવતો સાદ આપું, ખળખળતી યાદ આપું
વ્હાલપની છલકાતી આપું રે પ્યાલી
ગીતનો ઉપાડ આપું, ગાતો ઉઘાડ આપું
વરસાદી સંધ્યાની આપું રે લાલી
શ્વાસોથી શ્વાસ લે, તારી રોમરાઈ ગણશે
ગમતા લયનું ગણિત
લે, લાવ્યો છું
~ હર્ષદ ચંદારાણા
જન્મદિવસે કવિને સ્મૃતિવંદના
મધરો મધરો
મધરો મધરો પાયો કલાલણ!
અંકાશે હું ના માયો રે લોલ,
મુંને નેણકટોરો ઉલાળી કલાલણ!
ચંઈનો ચંઈ ઉછાળ્યો રે લોલ.
આંખે આભલિયું આંજ્યું કલાલણ!
પગલે પતાળ મેં દાબ્યું રે લોલ,
સૂરજમાં મુખ મેં ધોયું કલાલણ!
ચાંદલામાં મુખડું જોયું રે લોલ.
બત્રી કોઠે દીવા ઝળકે કલાલણ!
રૂંવેરૂંવે તારા લળકે રે લોલ,
રગેરગે તે રંગ છલકે કલાલણ!
અણસારે મેઘ-ધજા ફરકે રે લોલ.
મધરો મધરો પાયો કલાલણ!
અંકાશે કૈં ના માયો રે લોલ,
આવડું અંકાશ ભલે ઓછું પડે તું મારી
બાંધણીની ગાંઠે બંધાયો રે લોલ….
~ ‘ચંદ્ર’ પરમાર (26.6.1920 – 16.9.1994)
*કલાલણ – દારૂ વેચનાર સ્ત્રી
જન્મદિવસે કવિને સ્મૃતિવંદના
મૂળ નામ રામચંદ્ર પથુભાઈ પરમાર, તળપદી બાનીનો ઉપયોગ, કાવ્યસંગ્રહ ‘તમાં ઘરે આવશાં પરા’
(કાવ્યસંગ્રહ માહિતી આધાર : બૃહદ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ – સં. સુરેશ દલાલ P 227 * ‘ગુજરાતના સારસ્વતો’ ખંડ 2 માં આ કવિના કાવ્યસંગ્રહની કોઈ વિગત નથી. ‘તમાં ઘરે આવશાં પરા’ એ ગીત ‘રેખ્તા’ વેબસાઇટ પર છે. પૂરક માહિતી માટે કવિ શ્રી અનંત રાઠોડનો આભાર.

Pingback: 🍀26 જુન અંક 3-1194🍀 - Kavyavishva.com
બન્ને રચનાઓ ખુબ સરસ અભિનંદન હર્ષદભાઈ ના જન્મ દિવસ પર સારી શ્રધ્ધાંજલી
સરસ રચના વાંચીને દિલ તરબતર થાય
બંને રચના પોતપોતાની રીતે સારી છે.
બંને ગીતો ગમ્યાં. કવિ હર્ષદની લય રચના સરસ છે. બીજીમાં તળપદા શબ્દો સરસ રીતે વપરાયા છે. સ્મૃતિ વંદન.