ચિનુ મોદી ~ પાંચ કાવ્યો * Chinu Modi

🥀🥀

કેમ રાતીચોળ લાગે છે હવા?
પાંદડાએ ના કહી સાથે જવા?

તું મને જિવાડવાની જિદ્દ ના કર
મેં જ ઈચ્છ્યું છે, સડક ઓળંગવા.

ઝાંઝવાઓ પાણી પાણી થઈ ગયાં
કોઈ આવ્યું હોડી તરતી મૂકવા.

માત્ર સન્નાટો હતો મારા ઘરે
ખાંસી ખાઉં ચૂપકીદીને તોડવા.

સોળમા વરસે જણાયાં લક્ષણો
કામ ના આવી પછી એક્કે દવા.

ચેતજો સામે ઊભા શ્રીમાનથી
એ ધરાવે છે વિચારો આગવા.

હાથમાં ‘ઈર્શાદ’ બે-ત્રણ પથ્થરો
ને તમારે તારલા છે પાડવા?

~ ચિનુ મોદી (30.9.1939 – 19.3.2017)

🥀🥀

કેમ છો ? સારું છે ?
દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ
   પૂછવાનું  કામ  મારું  છે ?
કેમ છો ? સારું છે ?

અંકિત  પગલાંની  છાપ  દેખાતી  હોય
અને મારગનું નામ ? તો કહે: કાંઈ નહીં,
દુણાતી   લાગણીના   દરવાનો   સાત
અને દરવાજે કામ ? તો કહે: કાંઈ નહીં;
દરિયો  ઉલેચવાને  આવ્યાં  પારેવડાં
ને  કાંઠે  પૂછે   કે   પાણી  ખારું  છે ?

કેમ છો ? સારું છે ?

પાણીમાં   જુઓ   તો   દર્પણ  દેખાય
અને  દર્પણમાં  જુઓ  તો  કોઈ નહીં,
‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ
અને  ઝરમરમાં  જુઓ તો કોઈ નહીં;
કરમાતાં   ફૂલ   ખરતાં  બે  આંસુઓ
ને   આંખો  પૂછે  કે  પાણી  તારું છે ?
કેમ છો ? સારું છે ?

~ ચિનુ મોદી (30.9.1939 – 19.3.2017)

🥀🥀

કેમ લાગે છે હજી અંતર મને ?
દૂરતા દેખાય છે ભીતર મને.

લાગણીવશ આપ બનતાં જાવ છો
ભીંત ચણતાં જાવ છો, એ ડર મને.

ભીડમાં તૂટી જતા આ શ્વાસ છો
પાલવે તો પણ નહીં આ ધર મને.

મધ્ય દરિયે રેત સાંભરતી મને
કોણ પાછું ઠેલતું તટ પર મને?

હા, હવે કાળી ઉદાસી ઘેરશે
સ્વપ્ન ક્યાં છે, જે કરે પગભર મને ?

~ ચિનુ મોદી (30.9.1939 – 19.3.2017)


🥀🥀

કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે ?
ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે.

જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી!
પાંદડાંને કારણે પોપટ હતા – નો વ્હેમ છે.

બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ
નામ સરનામા વગરના કાગળોની જેમ છે.

હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું
એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે.

થાય છે કાયા વગરનો એક પડછાયો હવે
શેખજી! ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે.

~ ચિનુ મોદી (30.9.1939 – 19.3.2017)

🥀🥀

છે ખરો કે લા-પતા, ભૈ ?
મન ગણે તે માન્યતા, ભૈ.

આંખ મીંચી યાદ કર તો
જીવતાને જાગતા- ભૈ.

રોજ મારામાં રહીને
દિન બ દિન મોટા થતા- ભૈ.

‘સાંકડું આકાશ બનજો’
પંખી કેવું માંગતા- ભૈ ?

વય વધેલી ઢીંગલી ને
ખૂબ ઊંડે દાટતા, ભૈ.

શું થયું ‘ઈર્શાદ’ તમને ?
શ્વાસથી કંટાળતા, ભૈ ?

~ ચિનુ મોદી (30.9.1939 – 19.3.2017)

આ ધુરંધર કવિને સ્મૃતિવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “ચિનુ મોદી ~ પાંચ કાવ્યો * Chinu Modi”

  1. Kirtichandra Shah

    સોડમે વરસે દેખાયા લક્ષણો…વય વધેલી ઢીંગલી …
    આહા બળુકી ને લાવણયમયી,….પણ

  2. ‘કદીક કાચ સામે,કદીક સાચ સામે થાકી જવાયું તલવાર તાણી ‘
    જેવી પંક્તિ ‘ઈર્શાદ’ની ગઝલની ખાસિયત બની જતી.

Scroll to Top