ચુનીલાલ મડિયા ~ ભ્રાતા ગયા છે & મને મરવું ન ગમે * Chunilal Madiya

સોનેટ

ભ્રાતા ગયા છે દ્યૂત ખેલવાને,
છે ધર્મ ને અર્જુન, ભીમ, સાથે
કનિષ્ઠ કિન્તુ નકુલેય, આજે
સતી રહ્યાં છે સહદેવ સંગે,

દીસે પ્રિયાનું મુખ આશપૂર્ણ,
જ્ઞાની સખાનું અવ ચિત્ત ક્ષુણ્ણઃ
વસ્ત્રો હરાશે મુજ દ્રૌપદીનાં
નિર્લજ્જ હસ્તે, કુલયોગિનીનાં.

જાણે બધુંયે, ૨જ ક્હૈ શકે ના
સંતપ્ત, કાં કે જીરવી શકે ના.
ધિક્કાર હો શાપિત જ્ઞાન જેનાં
જેવાં ભર્યાં હો જલ, વ્હૈ શકે ના

સ્પર્શ પ્રિયાને કરવા જતો જ્યાં,
નિહાળતો એ નિજમાં દુઃશાસન.

~ ચુનીલાલ મડિયા

કવિના જન્મદિને સ્મૃતિવંદના

મને ન મરવું ગમે

મને ન મરવું ગમે છૂટક ટૂંક હફ્તા વડે
મળે મરણ ગાય-ગોકળ સમું, ધીમું–વાવરે
યદા કૃપણ સંપદા અસહ લોભથી – ના ગમે.

અનેક જન જીવતા મરણ-ભાર માથે વહી
ભલે હલચલે જણાય જીવતા, છતાં દીસતા
મરેલ, શબશા અપંગ, જડ, પ્રેત દીદારમાં.

અને મનસમાંય – ઓઢત ભલે ન કો ખાંપણ,
મસાણ તરફે જતા ડગમગંત પંગુ સમા.

ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,
અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું,
ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું –
કરે કરજ કો લેણદાર ચૂકતું તકાદા વડે ?

ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે;
બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે

~ ચુનીલાલ મડિયા 12.8.1922 થી 29.12.1968

કવિના જન્મદિને સ્મૃતિવંદના

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “ચુનીલાલ મડિયા ~ ભ્રાતા ગયા છે & મને મરવું ન ગમે * Chunilal Madiya”

Scroll to Top