તપતો સૂરજ ~ છાયા ત્રિવેદી
તપતો સૂરજ ખિસ્સે રાખી, ચાલી નીકળો,
ખુદનો છાયો ખુદ ઉપાડી, ચાલી નીકળો.
કિનારા તોડીને દરિયા ઊમટે સઘળા,
મુઠ્ઠીમાં પૂનમને દાબી, ચાલી નીકળો.
લ્હેરાતાં ઊગશે ખેતર ત્યાં ઇન્દ્રધનુનાં,
સૂકી ભોંમાં સપનાં વાવી, ચાલી નીકળો.
પવન બનીને મોસમ પોતે પછી શોધશે,
ટહુકાઓ કંઠે છુપાવી, ચાલી નીકળો.
પોતીકાં આકાશને અઢળક વીધ્યેં રાખો,
વરસાદી યાદોને ચાખી, ચાલી નીકળો.
~ છાયા ત્રિવેદી
કવિ છાયા ત્રિવેદીની આ રચના મને વધુ ગમે છે. દરેક શેરની પાછળ જે મિજાજ છે, ખુમારી છે એ દાદ આપવી પડે એવી છે. જુદા જુદા કલ્પન દ્વારા વ્યક્ત થતી આ ખુમારી ગઝલને દમદાર અને જીવંત બનાવે છે. મનમાં સહેજ પણ નિરાશા હોય તો ખરી પડે….
OP 7.9.22
Meena Jagdish
25-09-2022
ચરૈવેતી… ચરૈવેતી….ને સાર્થક કરતી રચના…🙏🏻
Geeta. Kothari
11-09-2022
Unique analogy yet very appealing.
આભાર
09-09-2022
આભાર મેવાડાજી, છબીલભાઈ, ઉમેશભાઈ, દેવેન્દ્રજી
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર
ઉમેશ જોષી
08-09-2022
છાયા ત્રિવેદીની ગઝલમાં મૂલ્યવધઁક અથઁ મળે છે.
અભિનંદન..
સાજ મેવાડા
07-09-2022
સરસ મજાની રચના
છબીલભાઈ ત્રિવેદી
07-09-2022
ખુબ સરસ ખુમારી ભર્યા બધા શેર ખુબ ગમ્યા સરસ મજાની રચના આભાર લતાબેન
Devendra.K.Vaniya
07-09-2022
કવિ શ્રી છાયાબેનની રચના “તપતો સુરજ ખિસ્સા રાખી ચાલી નીકળો”ખુબ સરસ રચના, બહેનશ્રી ની કલ્પના ખરેખર સાવ સાચી છે. કચ્છનાં ના નાના રણમાં અગરિયાંઓ જ્યારે મીઠું પકવતા રણ માં જાય છે ત્યારે ખુદને છાયો ઉપાડી સુકા રણમાં સપનાઓ વાવવા ચાલી નિકળે છે અનેક આપત્તિઓ વેઠી જગતને સબરસ આપવા ચાલી નિકળે છે ત્યારે આપની આ રચના શબ્દશઃ સાચી સાબિત થાય છે,
ખૂબ સરસ, ધન્યવાદ.
