
આંસુ ~ જગદીપ ઉપાધ્યાય
શસ્ત્ર સમી બળકટતા આંસુ
લાવા રૂપ પ્રબળતા આંસુ.
સુખોથી ઉબાતા મનની
દૂર કરે નીરસતા આંસુ.
માણસ માતર જાણે પર્વત
ઝરણાની ચંચળતા આંસુ.
પાષાણી ચહેરા ભીતરની
ખૂલેલી પોકળતા આંસુ.
સરનામું ના એનું પૂછો !
ઊંડી એક અકળતા આંસુ.
ફૂલો કોમળતા ડાળીની
માણસની કોમળતા આંસુ.
આંસુ ઊર્મિનો તરજૂમો
અંતરની નિકટતા આંસુ.

અંતર ની નિકટતા આંસુ….. સરસ રચના ખુબ ગમી અભિનંદન
આંસુને માધ્યમ બનાવી પોતાની સંવેદના વ્યક્ત કરતી સરસ રચના.
આંસુ ઉપર રચાયેલા કાવ્યોમાં આ ગઝલનો સરસ ઉમેરો.