બરાબ૨
તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબ૨!
ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર!
તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે,
હતો છીછરો હું ન છલક્યો બરાબર!
ઘનશ્યામ! તેં ગર્જના ખૂબ કીધી,
બની મોરલો હું ન ગળક્યો બરાબર!
મિલાવ્યા કર્યા તાર ઉસ્તાદ તેં તો,
બસૂરો રહ્યો હું ન રણક્યો બરાબર!
અજાણ્યો અને અંધ જેવો ગણીને,
તમે હાથ આપ્યો ન પકડ્યો બરાબર!
છતાં આખરે તેં મિલન-રાત આપી,
ગઈ વ્યર્થ વીતી ન મલક્યો બરાબર!
~જટિલરાય વ્યાસ ‘જટિલ’ 15.9.1915
રાજકોટના વતની. ‘કાવ્યાંગના’ અને ‘સંસ્પર્શ’ કાવ્યસંગ્રહો
કવિના જન્મદિને સ્મૃતિવંદના
પણ
હવે નૌકા તો શું, આગળ નથી વધતા વિચારો પણ,
હતી મઝધાર તું મારી અને સામો કિનારો પણ.
હતા એવાય દિવસો, ઘા કરી જાતો ઈશારો પણ,
હવે ક્યાં ભાન છે, ભોંકાય છે લાખ્ખો કટારો પણ ?
કરું શું રાતની વાતો હવે તારા વિરહમાં હું ?
કે મારા દિલને અજવાળી નથી શકતી સવારો પણ.
હતાં ત્યારે તો રણની રેત પણ ગુલશન બની જાતી,
નથી ત્યારે આ ગુલશનમાં બળી ગઈ છે બહારો પણ.
હતી ત્યારે જીવનની હર ગલીમાં પણ હતી વસ્તી,
હવે લાગે છે ખાલીખમ જગતભરનાં બજારો પણ.
જીવન પ્યારું હતું તો રોમેરોમે દીપ જલતા’તા,
બળી મરવું છે ત્યારે કાં નથી જડતો તિખારો પણ ?
મિલન માટે તો મહેરામણ તરી જાતો ઘડીભરમાં,
હવે પામી નથી શકતો આ આંસુઓનો આરો પણ !
તમે જોયું હશે – કળીઓ મને ખેંચી જતી પાસે,
હવે જોતાં હશો – મોં ફેરવી લે છે મજારો પણ.
મને છોડ્યો તમે છો ને, તમારું દિલ તજી જાશે,
ભલેને લાખ પોકારો, નહીં પામો હુંકારો પણ.
મને આપ્યું તમે, એ તમને પણ મળશે તો શું થાશે ?
વિરહની શૂન્યતા – લાંબા જીવન સાથે પનારો પણ.
‘જટિલ’, મુજ ખાખમાં આજેય થોડી હૂંફ બાકી છે,
હજી એને છે આશા કે તમે પાછાં પધારો પણ.
~ જટિલરાય કેશવલાલ વ્યાસ 15.9.1915

ખુબ સરસ રચનાઓ ખુબ ગમી
નકારાત્મક્તા સાથે એક ગઝલમાં પ્રભુને સંબોધન, અને બીજીમા. અંગત સંવેદન. ખૂબ સરસ, સરળ અભિવ્યક્તિ. વંદન કવિનને.