મઢુલી મઝાની પેલે તીર
મઢુલી મઝાની પેલે તીર, સંતો વ્હાલાં
અનેરી અમારી એ લગીર
વૃક્ષો વેલડીઓવાળાં, કુમળાં ફળફૂલ રસાળાં
લઈ જાવ લ્હાણાં એ લગીર, સંતો વ્હાલાં
મનની કંઈ મોજમજાઓ, રસિયાં ઉરનાં કંઈ લ્હાવો
લેવાને આવજો લગીર, સંતો વ્હાલાં
સામે સંસાર વિલસે, વચ્ચે જીવનસરિતા વ્હે
રેલવિયે ત્યાં રસરંગ લગીર, સંતો વ્હાલાં
ઊડવાય સફર સહિયારી, સુખદુખની કંથા ધારી
આનંદ ઓર એ લગીર, સંતો વ્હાલાં
લગની સ્હેવા સ્હાવાની, ગીતડાં પ્રભુનાં ગાવાની
લાગે તો આવજો લગીર, સંતો વ્હાલાં
મઢુલી મઝાની પેલે તીર, સંતો વ્હાલાં
અનેરી અમારી એ લગીર
~ ‘લલિત’ જન્મશંકર મહાશંકર બૂચ (30.6.1877 – 24.3.1947)
જૂનાગઢના આ કવિએ 1908થી 1910 સુધી રાજકોટમાં ‘કાઠિયાવાડ ટાઇમ્સ’નું તંત્રીપદ સંભાળ્યું. 1895થી ‘ચંદ્ર’ માસિકમાં કવિતા મોકલવાનું તેમણે શરૂ કરેલું. ‘લલિતનાં કાવ્યો’, ‘વડોદરાને વડલે’ (1914), ‘લલિતનાં બીજાં કાવ્યો’ (1934) તે એમના કાવ્યસંગ્રહો છે. ‘લલિતનો રણકાર’ (1951) મરણોત્તર પ્રકાશિત થયેલો કાવ્યગ્રંથ છે. તેમનું ‘સીતા-વનવાસ’ (19૦3–19૦4) નાટક તે સમયમાં પ્રખ્યાત થયેલું.
સ્વદેશભક્તિ અને પ્રભુભક્તિ, નારીહૃદય અને દામ્પત્યપ્રેમ, જીવનસૌન્દર્ય અને પ્રકૃતિપ્રેમ તેમની કવિતાના મુખ્ય વિષયો છે. તેમણે ત્રણેક ખંડકાવ્યો, બાળગીતો તેમ જ વ્યક્તિચરિત્રાત્મક કાવ્યો આપ્યાં છે. ગુજરાત–સૌરાષ્ટ્રમાં મંજીરા સાથે ભક્તિરસની લહાણ કરનાર કવિ તરીકે અને વિશેષે ‘મઢૂલી મજાની પેલે તીર’ એ કાવ્યના કવિ અને ગાયક તરીકે તેઓ જાણીતા છે.
સૌજન્ય : ગુજરાત વિશ્વકોશ
OP 30.6.22
***
સાજ મેવાડા
01-07-2022
સરસ ભક્તિમય ગીત. વંદન.
છબીલભાઈ ત્રિવેદી
30-06-2022
ખુબ સરસ રચના કવિ શ્રી ના જન્મદિને પ્રણામ આભાર લતાબેન

Pingback: 🍀30 જુન અંક 3-1198🍀 - Kavyavishva.com
સરસ રચના ખુબ ગમી
માર્મિક ભક્તિ રચના. સ્મૃતિ વંદન.
રચના જાણીતી,પણ કવિ પરિચય નહોતો. પરિચય આપવા બદલ ધન્યવાદ.
સાદર સ્મરણ વંદના.
કવિનો સમૃદ્ધ પરિચય પામી ધન્ય થઈ જવાયું. ખૂબ મજાની રચના શેર કરી લતાબેન, ખૂબ આભાર 🙏