જમિયત પંડ્યા ‘જિગર’ ~ હસતો રહ્યો * Jamiyat Pandya

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો.

ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો.

ઓ મુસીબત! એટલી ઝિંદાદિલીને દાદ દે

તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.

કોઈના ઈકરાર ને ઇનકાર પર હસતો રહ્યો.

જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.

કોઈની મહેફિલ મહીં થોડા ખુશામદખોરમાં

ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો.

ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી તેનેય પણ,

પ્રેમથી પારસ ગણી લેવા દાતાર પર હસતો રહ્યો.

જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં,

હું કબરમાં પણ કરેલા પ્યાર પર હસતો રહ્યો.

નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ,

એ કિનારે જઈ ડૂબી, હું ધાર પર હસતો રહ્યો,

ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,

દૂર જઈ એ પાંગળી વણજાર પર હસતો હ્યો.

~ જમિયત પંડ્યા ‘જિગર’

(22.8.1906 – 28.3.1990)

ગઝલકાર, નવલકથાકાર, ‘ઉરગંગા’, ‘વરદાન’, ‘ઝાળ અને ઝાકળ’, “મેઘધનુષ’, ‘મંજિલ’ અને ‘કિરણો, ઢળતા સૂરજનાં’ એમના ગઝલ- નઝમના સંગ્રહો. ‘ગઝલનું છંદશાસ્ત્ર’ પુસ્તક એમણે આપ્યું.

કવિની પૂણ્યતિથિએ સ્મરણવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “જમિયત પંડ્યા ‘જિગર’ ~ હસતો રહ્યો * Jamiyat Pandya”

Scroll to Top