જયંતિલાલ દવે ‘વિશ્વરથ’ ~ નજર લાગી

નજર લાગી

તરસને ઝાંઝવાંના એક અણસારે નજર લાગી

વિરહને ચાંદનીના સોળ શણગારે નજર લાગી,

કમળને સાંધ્યના રંગીન અંધારે નજર લાગી

કુમુદને પણ ઉષાના તેજ-અંબારે નજર લાગી

નજર લાગી હજારો વાર હળવાં ફૂલ હૈયાંને,

કહો પાષાણ દિલને કોઈની ક્યારે નજર લાગી?

ચકોરીએ નજર ઊંચી કરીને મીટ માંડી, ત્યાં –

શશીની પાંપણોના રમ્ય પલકારે નજર લાગી.

અમારી નાવડીની કમનસીબી શી કહું તમને?

બચી મઝધારથી તો છેક ઓવારે નજર લાગી.

પ્રથમ ઉપચાર હું કોનો કરું, સમજાવશે કોઈ ?

હૃદય ને આંખડી બન્નેયને હારે નજર લાગી.

લથડિયું ખાઈને આકાશથી ગબડી પડ્યો તારો;

ધરા પરથી શું એને કોઈની ભારે નજર લાગી?

દિવાનો વિશ્વરથ’ ઘૂમી વળ્યો નવખંડમાં, તો પણ

નથી એને સફરમાં ક્યાંય તલભારે નજર લાગી.

~ જયંતિલાલ દવે ‘વિશ્વરથ’ (30.12.1910-5.1.1990)

કવિના કાવ્યસંગ્રહો 1. સંજીવની 2. મલયાનિલ 3. પ્રેરણાના પુષ્પો

કવિના જન્મદિને સ્મૃતિવંદના

*****

આ જ કવિની એક બીજી મજાની રચના

નીંભાડો ખડકાણો મારા નાથનો, માંહીં ઓરાણાં તમામ  

નાનાં ને મોટાં, નીચે-ઉપરે, ઠાંસીને ભરિયાં છે ઠામ.

લાગી રે લાગી આ ઝાળું આગની, એના તમે કરી લ્યોને સંગ;

ચારે રે દિશાથી તાપને નોતરો, જોજો એક્કે કાચું રહે નહિ અંગ….

આયખું ઉજાળો તપીને ટેકથી, જોજો ભાઈ, ખૂટી નવ જાય હામ !

ફૂટયાં તે દી કહેવાશે ઠીંકરાં, કોઈ નહિ કહેશે તમને ઠામ.

નીંભાડો ઉખાળી લેશે પારખાં, છાપ દેશે છાતીને મોઝાર;

ઝીલીને રૂદિયામાં એની છાપને, પહોંચવું દુનિયાને દુવાર.

કાળે રે ઉનાળે તરસ્યું ટાળવી, શોષી સઘળા તાપ;

ભીતરની ભીનાશું, ભાઈ, નવ મૂકવી; પડે ભલે તડકા અમાપ…

~ જયંતિલાલ દવે ‘વિશ્વરથ’ (30.12.1910-5.1.1990)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “જયંતિલાલ દવે ‘વિશ્વરથ’ ~ નજર લાગી”

  1. જ્યોતિ હિરાણી

    વાહ, બહુજ સરસ ગઝલ,અને ગીત.કવિની બીજી રચનાઓ પણ મુકજો.અભિનંદન અને કાવ્ય વિશ્વ નો આભાર

    1. મુલાકાત લેવા બદલ અને પ્રતિભાવ આપવા બદલ તમારો પણ આભાર જ્યોતિબેન.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    “વિશ્વરથ”ની બંને રચનાઓ સશક્ત કાવ્ય કૃતિઓ છે. તેમની પણ્યસ્મૃતિને વંદન.

Scroll to Top