જયશ્રી ભક્ત ~ મારી આંખોમાં * Jayshree Bhakt

તારી સાથે વાત કરવી
નથી ગમતી
આજ-કાલ.
‘કેમ છે ?’
એવું તું પૂછી લઈશ તો ?

હું શું જવાબ આપું ?

હું ગમે એ કહું,
પણ મારા અવાજની ધ્રુજારીમાં
જે મારે નથી કહેવું
એ તું સાંભળી જ લઈશ
એટલે જ હું કશું બોલતી નથી..

પણ તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે.
કશું પૂછતો જ નથી
બસ, મારો હાથ પકડી લે છે,
અને કહે છે –
મારી આંખો માં જો.. ! 

~ જયશ્રી ભક્ત

કુછ તુમને સુના, કુછ હમને કહા – લતા હિરાણી 

આ નાનકડું ફરિયાદ કાવ્ય છે એટલે કે પ્રેમ કાવ્ય છે. ફરિયાદ વગરનો પ્રેમ હોઇ શકે ખરો ? ફરિયાદ હળવાશથી અને મધુરતાથી વ્યક્ત થઇ છે અને એટલે એ કવિતાની કક્ષાએ પહોંચી છે. અહીં મૌનની ભાષા છે, સ્પર્શની ભાષા છે અને કશુંક એવું વ્યક્ત થાય છે, જેને માટે મન ઝંખે છે, હૃદય વ્યાકુળ છે અને તોયે કહેવું ગમતું નથી.  

શરૂઆત શિકાયતથી થઇ છે. માત્ર ન બોલવા સુધી હોત તો એ પ્રેમિકાના રિસામણાં કહેવાત પણ અહીં તો કહેવાયું છે, ‘તારી સાથે વાત કરવી નથી ગમતી આજકાલ’… આ ‘નથી ગમતી’ શબ્દો વાતને જરા ગંભીર બનાવી દે છે.. વાત કરવાનું જ મન ન થાય એવી પરિસ્થિતિ સુધી પહોંચી જવાયું છે એનું શું કરવું ? લાગે છે કે મળવાનું ઘણું ઓછું થઇ ગયું છે. એટલે મળતી વખતે  શબ્દો ખોવાઇ જાય અને સાવ ફોર્મલ સવાલ પર આવી જવાય….પૂછાઇ જાય ‘કેમ છો ?’ તો ? કેટલો નિષ્ઠુર અને ઔપચારિક છે આ શબ્દ ? એ એવી દિવાલ રચી દે કે અંદરનું ઝરણ સાવ સુકાઇ જાય !!! કદાચ કોઇ શબ્દ બહાર આવવા મથે તો પણ એ પીડાની ધ્રુજારીથી છલકાતા હોય…. શક્ય છે કે અવાજ અટકી જાય કે ગળું રુંધાઇ જાય પણ ના, વાત હજી એટલી નથી બગડી. નાયિકાને વિશ્વાસ છે, ‘તું હજી એટલો દૂર નથી થયો કે આ મથામણ તારા સુધી ન પહોંચે !! ભલે સમયના વહેણે આપણને કંઇક જુદાઇ આપી હોય પણ તારા દિલના દ્વારે હજુ મારા ટકોરા પ્રવેશી જાય એટલી સંવેદના આપણી વચ્ચે જરૂર બચી છે..’

મજ્જાની વાત હવે આવે છે અને અહીં  જ પ્રેમનું માધુર્ય છલકાય છે, અલગતાનો છેદ ઊડી જાય છે, સ્પર્શની મોસમ ખીલું ખીલું થવા જાય છે અને મૌન મુખર બની ગાનમાં તબદીલ થવા જાય છે કેમ કે વાત નહીં કરવાનો હવે સાવ છેદ ઊડી જવાનો છે…‘તુંય હવે ઉસ્તાદ થઇ ગયો છે, બસ મારો હાથ પકડી લે છે અને કહે છે મારી આંખમાં જો…’

હાથમાં હાથ હોય, ગમતો સાથ હોય પછી આંખોમાં આખ પરોવીને ક્ષણોના દરિયા એકસામટા તરી જવાય.. સમયના પટ પર સ્નેહની સુવાસ વિસ્તરતી જાય.. ચુપકીદીની દિવાલ તો ક્યાંય સાત સાગરને પાર જઇને બેસે !!

અંદરની અવઢવને અને સંબંધ પરના વિશ્વાસને વ્યક્ત કરતું આઅ કાવ્ય એક લયબદ્ધ રીતે નજાકતથી શરૂ થાય  છે અને મીઠાશથી સંકેલાઇ જાય છે.

કાવ્યસેતુ 73 > દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ >  12 ફેબ્રુઆરી 2013

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

7 thoughts on “જયશ્રી ભક્ત ~ મારી આંખોમાં * Jayshree Bhakt”

  1. kishor Barot

    કાવ્યને ઉમદા રીતે ઉઘાડી આપ્યું.
    બહુ જ ગમ્યું

  2. સુરેશ 'ચંદ્ર'રાવલ

    સુંદર અછાંદસ… ઘડીકમાં વાતાવરણમાં પલટો ખાતું કાવ્ય… છેલ્લે પ્રેમ એટલે અહીં ઉત્કટ પ્રેમ બની જાય અને પ્રેમિકા પ્રેમીનાં શાંત સાગર રૂપી આંખમાં ડૂબકી મારે પછી ક્યાં રહે કોઈ વિષાદ…અને એમાં લતાબેનનુ તલસ્પર્શી વિશ્લેષણ ખૂબ ગમ્યું….!

Scroll to Top