પુનરાવર્તન
આજેય એ સ્મરણ શૈશવનુંઃ પિતાજી
દાદા તણી છબિ વિશાળ કરે ગ્રહીને
ઊભા હતા લઘુક મેજ પરે, દીવાલે
લંબાવી હસ્ત છબિ ગોઠવી દીધ, શીર્ષ
નીચું નમ્યું, ચખથી મોતીની સેર…. ગેહે
વ્યાપી ગયો ઘડીક તો ઘન અંધકાર.
એ એ જ દૃશ્ય ફરી આજ, નથી પરંતુ
જુદા, જૂની છબિ ખસી અવ પાર્શ્વ ખંડે,
હું ગોઠવું છબિ પિતાજીની ખાલી સ્થાને
ને ભક્તિપૂર્ણ હૃદયે રહું વંદી તાત.
આ એ જ આંસુ નયને, ઉ૨ એ જ ડૂમો
ને ઊંડી કો ગમગીની તણી એ જ છાંય.
બે દાયકા સરકતા ક્ષણ અર્ધમાં ને
હું જોઉં દૃશ્ય ફરી એ ….
~ જશવંત દેસાઈ (25.9.1928)
કાવ્યસંગ્રહ ‘આરજૂ’
હે જિંદગી
ત્યારે હતો રગરગે રણકાર રક્તનો,
પાંખો ગરુડ સમ વીંઝી ધનુષ્ય છૂટ્યાં
કો તીરે શી સતત ઝંખત આભ આંબવા,
વિશ્વજીત પદપ્રાપ્તિ નકી સમીપમાં!
સર્જી હશે પૃથવી આવડી નાનકી કાં?
દૃષ્ટિ ફરી ફરીથી કલ્પતી વ્યોમ વીંધવા!
આજે વિપર્યય કશો! ઘર કો અવાવરુ
કેરી બખોલ મહીં થર્થરતું હિયું લઈ
પાંખો સિવાઈ વળી મંદરુધિરની ગતિ
ક્યારે જશે અટકી? ભીતિ, કહીંક વૃક્ષનું
એકાદ પર્ણ ખરતું, ઘડી આખરી કો
આવી પડી! અવસ્થિતિ મહીં જીવવું રહ્યું,
ક્યારેક થાય જીવને: બસ, ઊડ ઊડ
હે જિંદગી, તદપિ તારી શી નાગચૂડ!
~ જશવંત લ. દેસાઈ
કવિના જન્મદિને સ્મૃતિવંદના

બન્ને રચનાઓ ખુબ ગમી અભિનંદન
સરસ કાવ્યો, કવિને સ્મૃતિ વંદન.