સિવાકાસિનાં મજૂરોની વેદના : જાગ્રત વ્યાસ ‘મધુકર
(સૉનેટ, છંદ – મંદાક્રાંતા)
લે પોટૅસિયમ કર પછી સલ્ફર સ્હેજ નાખ્યું
બાળી નાખ્યું જીવતર અમે સૌ મકાનો ઉજાળી
એના ભેગું દલન કરવા ચારકોલ ઉઠાવ્યું
ઝંખ્યું અભ્યુદય જગતનું હાથ બે રોજ બાળી….
ઍલ્યુમિનિયમ તરત ત્યાં તે પછી તો ઉમેર્યું
લૈ હાથોમાં તિમિર, સહુને રોશની નિત્ય આપી
થોડું ટીટેનિયમ ચપટી એ મહીં સ્હેજ રેડ્યું
બોમ્બો ફોડી જગતજન તો ઊજવે છે દિવાળી……
વ્યોમે થાતી ઝઘમઘ અહો! કેટલી લાઇટોની
કાળી રાત્રિ તિમિર ભરતી છો લલાટે અમારા
નાખ્યું મૅગ્નેસિયમ ચપટી એ બધાંમાં ઝબોળી
વિસ્ફોટોથી નભ ચમકતું, રંગ લાગે મજાના……
લોકોનાં તો તિમિર પથમાં દીપ છોને સજાવ્યા
રોજે રોજે અમ જીવનના દીપ જાતા બુઝાતા. – જાગ્રત વ્યાસ ‘મધુકર’
(ધુતિલોક P 38)
કવિ જાગ્રત વ્યાસ ‘મધુકર’ તરફથી એમના બે કાવ્યસંગ્રહો મળ્યા ઘણો સમય થયો. આજે એ હાથમાં લેતા સ્પર્શી ગઈ એ વાત એ કે એમના મોટાભાગના કાવ્યો સાંપ્રત સમયને અનુલક્ષીને છે. કવિઓમાં એ ઓછું જોવા મળે છે. ખાસ તો આસપાસ બનતી અતિ પીડાદાયક ઘટનાઓ પ્રત્યે પણ કવિતાક્ષેત્ર (કોઈ અપવાદ બાદ કરતાં) ચૂપ હોય છે. દિવાળી આવી રહી છે અને લોકોનો ધસારો ફટાકડા લેવા કે મીઠાઇ લેવા થશે ત્યારે આપણે એ ફટાકડા બનાવનારા લોકો માટે કૈંક વિચારી શકીએ કે આસપાસ ભૂખ્યા રહેતા લોકોને એકાદ મીઠાઈનો ટુકડો પહોંચાડી શકીએ તો આવા કાવ્યો સાર્થક થશે અને હૃદયમાં હાશ થશે એ વધારાનું.
કવિનો સંસ્કૃત છંદો પ્રત્યે વિશેષ લગાવ છે. સ્રગ્ધરા, હરિગીત, શિખરિણી, વસંતતિલકા, મનહર, મંજુભાષિણી, મંદાક્રાંતા, અનુષ્ટુપ, મિશ્રોપજાતિ, પૃથ્વી, કટાવ, ગુલબંકી, વૈશ્વદેવી, સ્રગ્વિણી, તોટક છંદોમાં કવિએ કાવ્યો આપ્યાં છે. મારી જેમ ઘણાને આમાનાં અમુક છંદના નામ પણ નહીં ખબર હોય ! વાહ કવિ !
અને કવિતાઓમાંથી પસાર થતાં બીજું જે નોંધ્યું એ કવિનો રાષ્ટ્રપ્રેમ…. મન પુલકિત થઈ ઉઠ્યું…
‘કાવ્યવિશ્વ’માં કવિનું સ્વાગત છે.
5.10.21
***
કિશોર બારોટ
06-10-2021
સામાન્ય માનવીની વેદનાના સંવેદનને ઉજાગર કરવું તે કવિધર્મ છે.
અભિનંદન કવિશ્રી.
Varij Luhar
05-10-2021
વાહ … કવિશ્રી જાગૃત વ્યાસ ને અભિનંદન
છબીલભાઈ ત્રિવેદી
05-10-2021
જાગ્રત વ્યાસ, મધુકર, સાહેબ નુ કાવ્ય ખુબજ સમયોચિત ફટાકડા નહી કોઈપણ કાર્ય ની બેક સાઈડ કોઈ ને જોવાનો સમય નથી મોટા કારખાના, શિવાકાશી, મોટા બાંધકામ, ખેતીવાડી આબધા મા નાના માણસો જીવ ના જોખમે કામ કરી રહ્યા છે જોવાની દ્રષ્ટિ કવિ જેવી અને હ્રદય લાગણી ભર્યુ હોવુ જરૂરી છે અભિનંદન આભાર લતાબેન
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
05-10-2021
કવિની વેદના ફટાકડા ની ફેકટરી માં કામ કરતા ગરીબો પ્રત્યે સરસ રીતે આલેખાઈ છે. એમાં મોટેભાગે સ્ત્રીઓ અને બાળકો કામ કામ કરતાં હોય છે.
રેખાબેન ભટ્ટ
05-10-2021
વિષય બેશક હટકે છે. પણ બોમ્બો…. ઝઘમઘ…. પોટેસિયમ….ખૂંચે છે. બીજાની પીડાને અનુભવવા માટે અભિનંદન
