‘જાહ્નવી સ્મૃતિ એવોર્ડ’ લતા હિરાણીને ~ ભાવનગર શિશુવિહાર દ્વારા

🥀 🥀

એક ક્રાંતિકારી સ્ત્રી તથા શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે અનોખું પ્રદાન કરનાર શ્રી ભાગીરથીબહેન મહેતાની ચેતનાને વંદન અને એમના ઉપનામે અપાતા એવોર્ડ ‘જાહ્નવી સ્મૃતિ એવોર્ડ’ મેળવવા બદલ ખુદને ગૌરવશાળી સમજું છું.  

પ્રેસનોટ

ભાવનગરમાં 85 વર્ષથી સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક એમ ત્રિવિધ ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓ કરતી જાણીતી સંસ્થા શિશુવિહાર દ્વારા તારીખ ૧૫મી સપ્ટેમ્બર રવિવારે શ્રી લતાબહેન હિરાણીને ‘જાહ્નવી સ્મૃતિ સન્માન’, શ્રી રાજેશ ધામેલિયાને ‘માતૃભાષા સંવર્ધન પારિતોષિક’ અને શ્રી પ્રણવભાઈ પંડ્યાને ‘શ્રી કિસ્મત કુરેશી સન્માન’થી નવાજવામાં આવ્યા. અધ્યક્ષ પદ્મશ્રી મુનીભાઈ મહેતા તથા ગુજરાતના શિરમોર કવિ શ્રી વિનોદભાઈ જોશી, શિશુવિહાર સંસ્થાના શ્રી નાનકભાઈ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો.

સ્વયંસિદ્ધા ભાગીરથી મહેતા (પરિચય)

🥀 🥀

ભાગીરથી મહેતા એટલે એક પ્રભાવશાળી વ્યક્તિત્વ. 1917માં એમનો જન્મ. એ સમયે દીકરીને ભણાવવાની પ્રથા નહીં. સમય અનુસાર નાની ઉંમરે એમનાં લગ્ન થયાં. સામાજિક કુરિવાજોથી તેઓ થાક્યા. પાંચ વર્ષના મનોમંથન અને ભાઈ નાથાલાલ દવે (વિખ્યાત કવિ) દ્વારા મળતા પુસ્તકોના અભ્યાસથી એમને સમજાયું કે મારું ભવિષ્ય મારે જ બનાવવાનું છે. એ સમયે સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રભાવ તેમને માટે શક્તિપ્રેરક બની રહ્યો. બંને કુટુંબના વિરોધ અને સમાજની સતત ટીકા છતાં અઢાર વર્ષની ઉંમરે ભાવનગરમાં રહીને ભણવાનો નિશ્ચય કર્યો. એ સમયના સંદર્ભમાં આ ક્રાંતિકારી પગલું હતું.

પ્રવેશ પરીક્ષા માટે એમણે એક નિબંધ લખવાનો હતો જેના પરિણામે એમને સીધા દસમા ધોરણમાં મુકવામાં આવ્યાં. હાઈસ્કૂલમાંથી ઉત્તીર્ણ થયા પછી પાંચ વિદ્યાર્થીનીઓ સાથે શરૂ થતા કર્વે કોલેજના વર્ગમાં ભણવાનું ચાલુ રાખ્યું. ગાંધીયુગની અસર તળે જ્યારે ભાગીરથીબહેને કહ્યું કે, “હવે હું ખાદીના જ કપડા પહેરીશ.” ત્યારે એમના પિતાજીની અસંમતિઓમાં એક વધારેનો ઉમેરો થયો અને ઘરમાં નારાજગી વધી ગઈ પણ મોટી ઉંમરે જ્યારે દીકરીના વિચારોને સમજ્યા ત્યારે પિતાપુત્રીમાં સુમેળ થયો.

જુનીઅર બી..ની પરીક્ષા પછી પંદર દિવસમાં મુનિભાઈનો જન્મ થયો. જવાબદારીઓ ઘણી વધી ગઈ. બાળકને સંભાળતાં બી.. યાં. માજીરાજ કન્યાશાળામાં નોકરી શરૂ કરી દીધી. પતિ હરિશંકરની બદલી ગામડેથી ભાવનગરની પ્રાથમિક શાળામાં એ અરસામાં થઈ શકી હતીચાર વર્ષના મુનિ અને નવજાત સરયૂને ઉછેરતાં, શાળા અને ઘરકામની ઘટમાળ શરૂ થઈ. જીવનના દરેક માઠાં અનુભવને, “મારા માટે એ જરૂરી હશેએમ તટસ્થભાવે સ્વીકારતા રહ્યાં. આમ જ, ભાવુક ગૃહિણી સાથ સાથ લાગણીઓને શબ્દોનો આકાર આપી કવિતામાં એમણે પ્રવેશ કર્યો.

તેર વર્ષની ઉંમરથી શરૂ કરેલ લાજ કાઢવાની પ્રથા સામે એમણે ત્રીસની ઉંમરે હિમ્મતપૂર્વક વિરોધ કર્યો. વડીલોને કહી દીધું કે હવેથી હું લાજ નહીં કાઢું, પરંતુ તમારા માટેના સન્માનમાં જરા પણ કસર નહીં છોડું. આખા પરિવારમાં આશ્ચર્ય અને અણગમો ફેલાઈ ગયાં. પણ એમની હિમ્મત પછી ઘણાં ઘરોમાં ઘુમટા તણાતા બંધ થયાં. એ જ રીતે નાકકાન વિંધાવવા જ પડે, અને પતિની હયાતીમાં શણગાર પહેરવા જ પડે, એ નિયમો પણ એમણે તોડ્યાં. સમાજમાં ઊંડા મૂળ નાખી ચૂકેલા નિયમો સામે બળવો કરી અને સ્વજનોના ગુસ્સાનું નિશાન બનીને પણ તેઓ પોતાના વિચારોમાં અડગ રહ્યાં. તેમની અનન્ય પ્રતિભાની અસાધારણ અને અદ્‍ભૂત અસર અનેક બહેનો, અને ખાસ કરીને ખીલતી કળી સમી વિદ્યાર્થીનીઓ પર જોવા મળી હતી.  

પિયર ભુવા અને સાસરું કોટડા ગામમાંથી પ્રથમ કોલેજ ગ્રેજ્યુએટ થનાર નારીનું માન વધી ગયું, જો કે સામાજિક પરિસ્થિતી બદલવી બહુ અઘરી હતી. 1960માં તક મળતાં, તેઓ સુરેન્દ્રનગરમાં આચાર્યા તરીકે ગયા. દીકરી સરયૂ એમની સાથે અને દીકરા મુનિભાઈ આઇ.આઇ.ટી મુંબઈની અગ્રગણ્ય કોલેજમાં ભણતા હતા. સુરેન્દ્રનગરની શાળામાં જાજરમાન અને પ્રગતિવાદી આચાર્યા તરીકે નાની વિદ્યાર્થિનીઓથી માંડી ઊપરી અધિકારીઓનું  સન્માન ઘણા જ ઓછા સમયમાં પ્રાપ્ત કર્યું.

એક ઘટના બની જેનાથી ભાગીરથી મહેતાની આંતરિક શક્તિનો પરિચય થયો. એમની શાળા માટે નવું મકાન મહિનાઓથી તૈયાર થઈ ગયું હતું. જે દાતાએ બંધાવી આપ્યું હતું એ વૃદ્ધ મહાનુભાવની જીદ હતી કે કોઈ પ્રધાનમંત્રી આવી ઉદ્‍ઘાટન કરે પછી જ તે મકાનનો ઉપયોગ કરવો. મહિનાઓથી શિક્ષકો અને અધિકારીઓ પ્રયત્ન કરતા હતાં. ભાગીરથીબહેન તે મુરબ્બીને મળ્યા અને વાત કરી, પણ તેઓ જીદ છોડવા તૈયાર ન હતા. એમણે બે ચાર અનુભવી, સ્થાનિક વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ, 26 જાન્યુઆરી શાળાના નવા મકાનમાં ધ્વજવંદન માટે ભવ્ય કાર્યક્રમ રાખી ગામના લોકોને આમંત્રિત કર્યા. તેમાં પેલા દાતા તેમની પ્યારી પૌત્રી, જે શાળાની વિદ્યાર્થીની હતી, તેની સાથે હાજર હતા. ધ્વજ વંદન પછી એમણે દાતાની પૌત્રીને બોલાવીને કંઈક સમજાવીને કહ્યું. તે આચાર્યાને પ્રણામ કરી, પૂજાની થાળી લઈ, નવા મકાનના દ્વાર પર ચાંદલો કરી, રેશમી રિબન ખોલી, બારણા ખોલી બધાને આમંત્રણ આપતી ઊભી રહી. બધા લોકો ગભરાઈને પેલા વડીલની સામે જોઈ રહ્યા. જો કે એમણે આગળ આવી વ્હાલી પૌત્રીને આશિષ આપ્યા અને ભાગીરથીબહેનને અભિનંદન આપ્યા. મહિનાઓ સુધી સુરેન્દ્રનગરમાં નવા આચાર્યાએ કરેલા ચમત્કારની ચર્ચા ચાલતી રહી.

જીવનમાં તેમણે પોતાના સિદ્ધાંતોમાં ક્યારેય બાંધછોડ નથી કરી. પોતાના અને પારકાને પ્રેમથી હિંમત આપી છે. એમના લાગણીભર્યા કવિ હ્રદયમાં અજબની દ્રઢતા હતી. પુત્ર મુનિભાઈના લગ્ન શિશુવિહારના શ્રી.માનશંકર ભટ્ટના પુત્રી ઈલાબહેન સાથે કર્યા. દીકરી સરયૂબહેને વણિક કુટુંબના યુવાન શ્રી દિલિપભાઈ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી ત્યારે, પતિના સખ્ત વિરોધ છતાં ભાગીરથીબહેને પુત્રીને સાથ આપ્યો. તેમનું માનવું હતું કે પાત્રની યોગ્યતા પ્રથમ જોવાની અને ત્યાર બાદ નાતજાત.  

ગુરુની શોધમાં હંમેશા વ્યાકુળ રહેતાં. જ્યારે તપસ્વિની વિમલાતાઈને મળ્યા એ સમયે ભાગીરથીબહેનની તપસ્યા પરિપક્વ થયેલી હતી. એમની નિષ્ઠા જોઈ પૂજ્ય વિમલાતાઈએ પોતાના નાના સમુહમાં એમને કવયિત્રી તરીકે સ્વીકાર્યા અને જાહ્ન્વીતખલ્લુસ આપ્યું. તે પહેલાઅખંડ આનંદવગેરે સામયિકોમાં એમના કાવ્યો અને બોધ કથાઓસાધનાઉપનામથી પ્રકાશિત થતાં.

અનેક બહેનોમાં સાહિત્યપ્રેમ અંકુરિત કરતુંજાહ્‍નવી સ્મૃતિકવયિત્રી સંમેલન, શિશુવિહાર સંસ્થા, ભાવનગરમાં દર વર્ષે યોજાય છે, જેમાં કોઈ પણ બહેન ભાગ લઈ શકે છે. 1994ની સાલથી શરૂ થયેલ આ મહાન સ્ત્રીના સ્નેહનું ઝરણું એમની સ્મૃતિમાં થતી પ્રવૃત્તિઓમાં હજુ પણ અસ્ખલિત વહે છે.

ભાગીરથી મહેતાના પુસ્તકો શિશુવિહાર, ભાવનગરમાં ઉપલબ્ધ છે
અભિલાષા  સંજીવની  ભગવાન બુધ્ધ કાવ્ય સંગ્રહો.
સ્ત્રી સંત રત્નો (સંત સ્ત્રીઓના જીવન ચરિત્ર) ત્રણ આવૃત્તિ
આત્મદીપ(અનુવાદ)  સહજ સમાધિ ભલી  પુ. વિમલાતાઈ ઠકારના પ્રવચનોનો સંગ્રહ  
અને આનંદલહર હનુમાનપ્રસાદ પોદાર વિશે

વિખ્યાત કવિ શ્રી નાથાલાલ દવેના બહેન ભાગીરથીબહેન મહેતાના પુત્રી સરયુબહેન દિલિપભાઈ પરીખ કવયિત્રી અને અમેરીકામાં સાહિત્ય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.  

એમના પુત્ર પદ્મશ્રી મુનિભાઈ મહેતા એગ્રીકલ્ચર સાયન્સ, વિજ્ઞાન, ઇજનેરી અને કૃષિ ક્ષેત્રે કરેલ પ્રદાન માટે 2011માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થયાં છે.

માહિતી સૌજન્ય : શ્રીમતી સરયૂબહેન દિલીપભાઇ પરીખ

એક ક્રાંતિકારી સ્ત્રી તથા શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે અનોખું પ્રદાન કરનાર શ્રી ભાગીરથીબહેન મહેતાની ચેતનાને વંદન અને એમના ઉપનામે અપાતા એવોર્ડ જાહ્નવી સ્મૃતિ એવોર્ડમેળવવા બદલ સ્વયંને ગૌરવશાળી સમજું છું.

~ લતા હિરાણી

‘જાહ્નવી સ્મૃતિ સન્માન’ 2023 (15 સપ્ટેમ્બર 2024)  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

29 thoughts on “‘જાહ્નવી સ્મૃતિ એવોર્ડ’ લતા હિરાણીને ~ ભાવનગર શિશુવિહાર દ્વારા”

  1. Parbatkumar nayi

    ખૂબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આદરણીય લતાબેન

  2. Dr. Bhuma Vashi

    હાર્દિક અભિનંદન. આ લેખ દ્વારા પરિચય આપવા બદલ આભાર… પ્રેરણાદાયી વ્યકિતત્વ..

    “મારા માટે આ જરૂરી હશે” ગાંઠે બાંધી રાખવા જેવું વાક્ય…..

  3. આદરણીય લતાજી, આપને ભાગીરથી બહેન જેવાં સન્નારી ના નામે જાહ્નવી એવોર્ડ મળ્યો એ બદલ અમને પણ ગૌરવ થાય છે. એમના વિશેનો લેખ વાંચીને અત્યંત આનંદ થયો.

  4. અહીંયા અને ફેસબુક તથા વોટ્સ એપ પર અઢળક મિત્રોએ અભિનંદન પાઠવ્યા છે. સૌ મિત્રોની હું હૃદયથી ઋણી છું.

  5. Nikhil N. Trivedi

    શિશુ વિહાર સંસ્થા તરફથી રાજેશકુમાર ધામેલિયા, લતાબહેન હિરાણી અને પ્રણવભાઈ પંડ્યાને સન્માનિત કરવામાં આવ્યા તે સાહિત્ય જગત માટે ઉત્સાહજનક સમાચાર છે. સાથે સાથે શ્રી ભાગીરથીબહેન મહેતાનો આંશિક પરિચય વાંચીને તેઓના પ્રત્યે જ નહિ પણ તેઓના સર્વ કુટુંબિજનો માટે અતિ સન્માન પ્રગટ થયું. આપ સહુએ સમગ્ર સાહિત્ય ક્ષેત્રને પોષણ પૂરું પાડ્યું છે.

    વધુ શું લખું?

    નિખિલ ના. ત્રિવેદી

  6. સુરેશ ચંદ્ર રાવલ

    લતાબેન… આપને જાન્હવી ઍવાર્ડથી સન્માનવામાં આવ્યાં તે માટે ખૂબ ખૂબ અભિનંદન….!. આપની બહુમુખી પ્રતિભા માટે ખૂબ માન ઊપજે છે..! ખૂબ ખૂબ શુભકામનાઓ…

  7. મનોહર ત્રિવેદી

    આજના કાવ્યવિશ્વ – માં મિત્ર અદમ ટંકારવી, બાલુભાઇ તથા તમે આપેલો ભાગીરથીબહેનનો પરિચય આનંદદાયક રહ્યા. ભાગીરથીબહેનનો વ્યક્તિગત પરિચયનો લાભ પણ મળેલો. આદરણીય નાથાલાલ દવે ભાવનગર જિલ્લાના શિક્ષણાધિકારી હતા. ઢસામાં બે વાર મારે ઘેર આવ્યા ને આચાર્ય સાથે મારે ઘેર જમવાનો આગ્રહ રાખેલો. પોતાનાં દરેક પ્રકાશન મને અવશ્ય આપતા. હું એમ એ કરવા ભાવનગર શનિરવિમાં જાઉં ત્યારે પાયલાગણ કરવા જવાનું ચૂકતો નહીં. એક ઉમદા પરિવાર થકી તમે પુરસ્કૃત થયાં એનો આનંદ મને અને તમારાં ભાભીને છે.

Scroll to Top