ગોદડી
હૂંફ ગોદડીની
નવા મકાનમાં રહેવા ગયાં
ત્યારે પૂરત સાથે લઈ ગયેલા
માતાથી વિખૂટા પડયાની તારીખ
દરેક વાસણ યાદ અપાવતા.
મા સાફસૂફી કરતી હોય, પૂજા કરવા બેઠી હોય
કે ગોદડી બનાવતી હોય –
મા સાથેનો દરેક પ્રસંગ
હંમેશા શૈશવરૂપે તાજો થતો.
એકવાર માએ મને
સોયમાં દોરો પરોવવા કહ્યું હતું.
આજે એ સોયાના નાનકડા નાકામાંથી
આખે આખા પરિવારને
પરોવી દીધાનો આનંદ થાય છે.
ગોદડી બનાવતી વખતે મા
પોતાનો મુલાયમ સાડલો પાથરતી
પછી તેમાં દાદાનો સદરો, બાનો સાડલો,
પપ્પાનો ઝભ્ભો, મારું ફ્રૉક, ભાઇનો બુશકોટ
લાઈનબંધ મૂકી, સાડલાને ચારેબાજુથી ઢાંકી
દોરા વડે સીવી દેતી જેથી કોઈ આઘું-પાછું ન થાય
આજે દરેક વેકેશનમાં આખું કુટુંબ મળે છે.
મા ભલે આજે કોઈને દેખાતી નથી
પણ માનો સાડલો પહેરીને કબાટમાં બેઠેલી ગોદડી
ઉઘાડવાસ થતાં બારણામાંથી બધાનું ધ્યાન રાખે છે
ને રાત્રે પોતાની ગોદમાં
આખા કુટુંબને સાચવી લે છે…
~ જિજ્ઞા મહેતા
સમય બદલાઈ ગયો પરંતુ ગોદડીએ કેટકેટલી પેઢીઓને શરણ આપ્યું છે, હૂંફ આપી છે એની કિંમત તો જેણે એની નીચે આખો શિયાળો કાઢ્યો હોય એ જાણે. જીવનના પટ પર હવે રજાઈનો વૈભવ ભલે છવાઈ રહ્યો પરંતુ ગોદડીનું અસ્તિત્વ જે રીતે ઊઘડે છે અને સૌને ઢાંકે છે, ઢબૂરે છે એ ગોદડીને ઘરના સામાન કરતાં કઈક વિશેષ મહત્વ આપે છે. આજે વયસ્ક થયેલી પેઢી હજુ ગોદડીને ઓળખતી હશે. જૂનાં કપડાં ફેંકી દેવાને બદલે એ પ્રથા કેટલી સમજણભરી હતી. જૂનું જે ભૂલાતું જાય છે એ વિશે વધુ વિચારીએ તો લાગે કે કેટલી સરસ જીવનપ્રથા આપણે ખોતા જઈએ છે. સવારથી રાત સુધીની વાત જોઈએ તો દરેકે દરેક ક્રિયામાં પર્યાવરણ સાથે સતત જોડાણ અને પાર વગરની બચત જોવા મળે !
એકવાર માને સોયમાં દોરો પરોવી આપ્યો ને હવે લાગે છે કે એ નાકામાં આખું કુટુંબ પરોવાઇ ગયું. મા હવે નથી પણ એની બનાવેલી ગોદડીઓ, એનો સાડલો પહેરીને બેઠેલી ગોદડીઓ ઉઘાડવાસ થતાં કબાટમાંથી સૌનું ધ્યાન રાખી રહી છે. એની નજર ને એનો સ્પર્શ સૌને હૂંફ આપી રહ્યો છે. માની સ્મૃતિને કવિએ ઉત્તમ રીતે વણી છે.
OP 1.7.22
mother, મા
***
Sanjay soni
04-07-2022
Very nice…. jigna mehta…
Jigna Mehta
04-07-2022
Khub khub khub Aabhar shree Lata bahen.
મનિષા હાથી
03-07-2022
શબ્દોની શૃંખલા અદભુત
આભાર
02-07-2022
આભાર છબીલભાઈ, કિશોરભાઇ
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર
કિશોર બારોટ
30-06-2022
બહુજ સુંદર કાવ્ય. 👌
અભિનંદન, જીગ્ના બહેન🌹
છબીલભાઈ ત્રિવેદી
30-06-2022
અદભુત કાવ્ય માં અને ગોદડી ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

ખૂબ સરસ કાવ્ય
Khub khub khub Aabhar sauno
Thx…
Khub khub khub Aabhar bahen