ખેંચતું કાયમ મને ગઇકાલમાં
એક આંસુ એવું છે રૂમાલમાં.
રૂબરૂ તું આવ, કર ઉપચાર કૈંક
તેં જ ચીપકાવી ઉદાસી ભાલમાં.
સૂર્ય ઊગ્યો છે છતાં કલરવ નથી
પંખીઓ શું ઉતર્યા હડતાલમાં ?
એક તારી યાદનું કૈં ના થયું
મેં ચણી દીધું ઘણું દીવાલમાં.
આવ, તારી જિંદગી અજવાળી જા
સૂર્ય મૂકું છું શબદના ફાલમાં.
– જિતેન્દ્ર પ્રજાપતિ
તેં જ ઉદાસી ભાલમાં ચીપકાવી છે – નસીબમાં લખી છે…. અને યાદને દીવાલમાં ચણી લેવા જેવા કલ્પનો સ્પર્શી જાય છે. જેણે ઉદાસી જ ભેટમાં આપી છે તેને આમંત્રણ છે, આવીને એની પોતાની જિંદગી અજવાળવાનું ! વાહ, આ કવિની ખુમારી !
2.6.21
***
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
04-06-2021
અદ્ભૂત સાદંત સુંદર ગઝલ. વાહ.
છબીલભાઈ ત્રિવેદી
02-06-2021
જીતેન્દ્રભાઈ પ્રજાપતિ નુ કાવ્ય ખુબજ સરસ.
વિવેક ટેલર
02-06-2021
સુંદર ગઝલ અને અર્થભરી ટૂંકનોંધ
રેખાબેન ભટ્ટ
02-06-2021
જીતેન્દ્ર પ્રજાપતિ, ખૂબ સુંદર કવિતા, સવાર સવારમાં મજા આવી ગઈ. Its different!.
લતાબેન, તમારી પસંદગી ને દાદ આપવી પડે.
