ચૂંટેલા શેર (પાછો ફર્યો છું હું) ~ જિતેન્દ્ર પ્રજાપતિ
દિવસ ઊગ્યો અને લ્યો સળવળી ફૂટપાથ
બની ‘તી ઘર હવે રસ્તે ભળી ફૂટપાથ………..
ઝરણ ખળખળ કરી વાંચી રહ્યાં છે
જુઓ તો વ્યોમનો કાગળ નથી ને !……..
આંખોના પાણીથી સંતાડી પરબારી વેચી છે
ભણાવવા દીકરાને એક બાપે ખુદ્દારી વેચી છે……
આંખ પણ છે પહાડ નો પર્યાય દોસ્ત
અશ્રુના આકાર જ્યાં ઝરણા ફૂટયાં…….
તમે ચાલ્યા ગયા તો એ અચાનક તાનમાં આવી
ઘણા વર્ષો પછી આજે ઉદાસ એ ભાનમાં આવી…..
અમે દીકરી સાસરે ક્યાં વળાવી ?
નદી આજ દરિયો થવા મોકલી છે…..
રહ્યો આંખનો માત્ર આકાર અહીંયા
નજર તો તને શોધવા મોકલી છે…..
મેઘ જેવું માન હો એને કહે : મહેમાન છે
માવઠા હો તો ઉઘાડાં બારણા પણ વાખીએ….
~ જિતેન્દ્ર પ્રજાપતિ
કવિ જિતેન્દ્ર પ્રજાપતિનું એમના નવા ગઝલસંગ્રહ ‘પાછો ફર્યો છું હું’ સહ ‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે.
કવિના કુલ ચાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા. 1. પરબીડિયામાં હવા મોકલી છે 2. હું હવે કાગળ પર 3. પાછો ફર્યો છું હું અને 4. મમ્મી મને સાઇકલ આવડી ગઈ (બાળગીત)
ખૂબ આનંદ, આભાર અને અઢળક શુભેચ્છાઓ કવિ !
4.2.22
***
છબીલભાઈ ત્રિવેદી
05-02-2022
આજના કાવ્યવિશ્ર્વ મા કવિ જીતેન્દ્ર પ્રજાપતિ ના બધાજ શેર ખુબ ગમ્યા માનવ જીવન ના મુલ્યો ઉજાગર કરતા અને જીવન ની વિટંબણા ઓ ને ખુબ સુપેરે શેર મા રજુ કરી છે ખુબ ખુબ અભિનંદન.
Dipti Vachhrajani
04-02-2022
જીતેન્દ્રભાઈ, ખૂબ ખૂબ અભિનંદન.
બધા જ શેર સરસ.મજા પડી વાંચવાની.
સાજ મેવાડા
04-02-2022
કવિ જિતેન્દ્ર પ્રજાપતિને અભિનંદન, શુભેચ્છાઓ. આનંદ.
Varij Luhar
04-02-2022
કવિશ્રી જિતેન્દ્ર પ્રજાપતિ ના તાજેતરમાં પ્રકાશિત થયેલ ગઝલ સંગ્રહ ને આવકાર અભિનંદન શુભકામનાઓ
