
ઓઢી લીધું ઓઢણ એ પણ શબદ નામનું.
કેવળ આપી કારણ એ પણ શબદ નામનું.
ફેર પડે શું એને જગના ટાઢ-તાપથી!
જેના અંગે પહેરણ એ પણ શબદ નામનું.
ધક્કામુક્કી વચ્ચે પણ લયલીન થયા છે,
વળગ્યું જેને વળગણ એ પણ શબદ નામનું
ઓળખ થઈ છે અંદરની એક વ્યક્તિ સાથે,
નીકળ્યું જૂનું સગપણ, એ પણ શબદ નામનું.
મતિ પ્રમાણે શણગાર્યું ઘર આખું સાહિબ,
બાંધ્યું દ્વારે તોરણ, એ પણ શબદ નામનું.
~ જુગલ દરજી
જીવતર મોંઘો તાકો દરજી,
સમજી સમજી કાપો દરજી.
કર્મોની મીટરપટ્ટીથી,
જાત તમારી માપો દરજી.
સંઘરવાને ગમતાં સ્મરણો,
ગજવું મોટું રાખો દરજી.
છુપાવવાને જખ્મો જગથી,
અસ્તર સદરે નાખો દરજી.
સપનાને સાંધી દે એવો,
પ્રોવી દો ને ધાગો દરજી
સીવ સીવ તો ખૂબ કર્યું, અબ,
શિવનો મંતર જાપો દરજી.
~ જુગલ દરજી
ગઝલ ખુદ બોલે છે…

કવિ શ્રી ની બન્ને રચના ખુબ સરસ અભિનંદન
વાહ દરજી ગઝલ…
વાહ, બન્ને ગઝલ સુંદર 👌🏽👌🏽👌🏽👍🏼👍🏼👍🏼