જ્યોતિષ જાની ~ રાત્રિની શ્વેત છાયામાં & લઘુકાવ્ય * Jyotish Jani

તારા ફિક્કા હાથમાં

રાત્રિની શ્વેત છાયામાં

નતમસ્તકે તું ઊભો હોઈશ

તારી આસપાસ

એક ખૂબસૂરત ઝેરીલી ડાકણ

માથું ધુણાવી ધુણાવી

તને રીઝવવા મથશે.

થોડી એક ક્ષણોમાં

એનું નશીલું ઝેર તને ચઢવા માંડશે

દુઃશાસનની ભુજાઓનું બળ

તારામાં પ્રગટશે, અને – 

હવા જેવા પારદર્શક વસ્ત્રને

તું ખેંચવા માંડીશ

સૌંદર્યની એક ઝલક પામવા

રાત્રિભર હાંફતો હાંફતો

ધરતી ઉપર ઢળી પડીશ

પ્રભાતનું પહેલું કિરણ ફૂટશે ત્યારે –

રૂપેરી તંતુઓથી ગૂંથેલું

એક સ્વપ્ન

તારા ફિક્કા હાથમાં ઊગી નીકળશે.

~ જ્યોતિષ જાની 9.11.1928

લઘુકાવ્ય

ત્રાટક તો મેં કર્યું

ગુલાબના ફૂલ સામે,

આંખમાં આટલા બધા

કાંટા ક્યાંથી ઊગી નીકળ્યા ?

~ જ્યોતિષ જાની

કવિ, વાર્તાકાર, ‘સંજ્ઞા’ ત્રૈમાસિકના તંત્રી. પ્રયોગશીલ કવિ. સુરેશ જોષીની એમણે લીધેલી મુલાકાત યાદગાર મુલાકાત છે.

કાવ્યસંગ્રહ ‘ફીણની દીવાલો’ (1966) – સુરેશ દલાલ

જન્મદિને કવિને સ્મૃતિવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “જ્યોતિષ જાની ~ રાત્રિની શ્વેત છાયામાં & લઘુકાવ્ય * Jyotish Jani”

Scroll to Top