દીવો કરજો
આભથી આ પરબારું આવ્યું દીવો કરજો
લ્યો ગાઢું અંધારું આવ્યું દીવો કરજો
પીડા જેવું ઝાંખુ ધુમ્મસ ફેલાયું છે
આવ્યું તો અણધારું આવ્યું દીવો કરજો.
ભીંતોને ભેટીને ઊભા છે પડછાયાઓ
કોણ અહીં નોંધારું આવ્યું દીવો કરજો.
આખો’દી પગ વાળી બેઠું જે આંખોમાં
સૂરજ ડૂબ્યે બારું આવ્યું દીવો કરજો.
શબ્દો ચગળીને ઊડતું આ મૌનનું પંખી
લ્યો પાછું ઘરબારું આવ્યું દીવો કરજો.
– જ્યોતિ હિરાણી
‘દીવો કરજો’ અનેક અર્થચ્છાયાઓ લઈને આવતો રદ્દીફ, જે મનમાં હળવે હળવે પ્રગટે છે અને અજવાળા પાથરી જાય છે. આભથી ગાઢું અંધારું પરબારું આવ્યું છે એટલે દીવો કરજો. પીડા જેવુ ઝાંખું ધુમ્મસ અણધાર્યું ફેલાયું છે એટલે દીવો કરજો. વાત નાજુકાઈથી આલેખાઈ છે ! સંપૂર્ણ હકારાત્મકતા, સંપૂર્ણ સ્વીકાર ભાવકના મનને અજવાળી જાય છે. અજવાળું અને અંધારું બેય પ્રકૃતિના બે સ્વરૂપો છે. માનવીએ જરૂર પડે ત્યાં અને ત્યારે દીવો પ્રગટાવવાની તૈયારી રાખવી પડે એવી નિરાંતવી ફિલોસોફી મને આમાંથી પમાઈ છે. બધા જ શેર ઉત્તમ પણ છેલ્લો શેર સલામ !
30.6.21
Varij Luhar
02-07-2021
દીવો કરજો.. વાહ જ્યોતિ બહેન
સૌનો આભાર
02-07-2021
દિનેશભાઇ અને પૂર્વાજી, આભાર આપનો.
Purva
01-07-2021
“મૌન નું પંખી ” કેટલી સુંદર અભિવ્યક્તિ ??
દિનેશ ડોંગરે નાદાન
01-07-2021
ખૂબ સુંદર અને ભાવવાહી આસ્વાદ લતાબેન , અભિનંદન
સૌનો આભાર.
30-06-2021
આભાર સરલાબેન, ડો. પુરુષોતમ મેવાડા, શ્રી રાજીવ ભટ્ટ, છબીલભાઈ ત્રિવેદી અને શ્રી કિશોર બારોટ.
મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.
Sarla Sutaria
30-06-2021
દીવો કરજો…. કેટલો ગહન અર્થ સમાયેલો છે આ કાવ્યમાં! ખૂબ સરસ
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
30-06-2021
ખૂબજ સરસ દીવો પ્રગટાવતી ગઝલ. હમણાં મેં કવિયિત્રી લતા હિરાણી નું પુસ્તક, ‘શબ્દો જળનાં મીન’ વાંચ્યું. ખૂબ સરસ છે.
રાજીવ ભટ્ટ’દક્ષરાજ’
30-06-2021
ઉમદા ગઝલ અને ઉત્તમ આલેખન
છબીલભાઈ ત્રિવેદી
30-06-2021
આજનુ જયોતિબેન હિરાણી નુ કાવ્ય ખુબજ સરસ ખરેખર છેલ્લા શેરખુબજ વેધક આપનો કાવ્ય અંગે નો પ્રતિભાવ પણ ખુબજ માણવા લાયક ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન
કિશોર બારોટ
30-06-2021
મનમાં પ્રસન્નતાનો દીવો કરતી સુંદર ગઝલ.
અભિનંદન, જ્યોતિબેન

દિવો કરજો ગઝલ ના સુંદર પ્રતિભાવો વાંચવા ગમ્યા. ખૂબ આભાર કાવ્ય વિશ્વ અને લતાબેન હીરાણી નો જેમણે અનુરૂપ આસ્વાદ પણ કરાવ્યો છે. પ્રણામ