ઝવેરચંદ મેઘાણી ~ ફૂલમાળ * Jhaverchand Meghani

🥀🥀

ફૂલમાળ

વીરા મારા ! પાંચ રે સિંધુને સમશાન
                      રોપાણાં ત્રણ રૂખડાં હો…જી
વીરા ! એની ડાળિયું અડી આસમાન :
                      મુગતિના ઝરે ફૂલડાં હો…જી

વીરા ! તારાં ફૂલ રે સરીખડાં શરીર :
                     
ઇંધણ તોય ઓછાં પડ્યાં હો…જી
વીરા મારા ! સતલજ નદીને તીર
                     
પિંજર પૂરાં નો બળ્યાં હો…જી

વીરા ! તારી ચિતામાં ધખધખતી વરાળ
                     
નવ નવ ખંડે લાગિયું હો…જી
વીરા ! તારી નહિ રે જંપે પ્રાણઝાળ :
                     
ઠારેલી ભલે ટાઢિયું હો…જી

વીરા ! તારા પંથડા વિજન ને અઘોર :
                     
ઓરાણો તું તો આગમાં હો…જી
વીરા ! તારાં વસમાં જિગરનાં જોર :
                     
લાડકડા ! ખમા ખમા હો…જી

વીરા ! તારે મુખડલે માતાજી કેરાં દૂધ
                     
ધાવેલાં હજી ફોરતાં હો…જી
વીરા ! એવી બાળુડી ઉંમરમાં ભભૂત
                     
જાણ્યું તેં, જોગી, ચોળતાં હો…જી

વીરા ! તારા ગગને ઉછળતાં ઉલ્લાસ
                     
દુનિયાથી દૂરે દોડવા હો…જી
વીરા ! તારે અચળ હતા વિશ્વાસ
                     
જનમીને ફરી આવવા હો…જી

વીરા ! તારે નો’તા રે દોખી ને નો’તા દાવ 2 & 3
                     
તરસ્યોયે નો’તો રક્તનો હો…જી
વીરા ! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ
                     
માભૂમિ કેરા ભક્તનો હો…જી

વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ :
                     
પે’રીને પળ્યો પોંખણે હો…જી 4 & 5
વીરા ! તારું વદન હસે ઊજમાળ
                     
સ્વાધીનતાના તોરણે હો…જી

~ ઝવેરચંદ મેઘાણી (28.8.1896 – 9.3.1947)

આપણાં આ લોકલાડીલા રાષ્ટ્રીય શાયરને સો સો વંદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “ઝવેરચંદ મેઘાણી ~ ફૂલમાળ * Jhaverchand Meghani”

  1. ઝવેરચંદ મેઘાણી ની રચના ખુબ ગમી આપણા રાષ્ટ્રીય શાયર ની ચેતના ને પ્રણામ તેમની સાહિત્ય સેવા ને ગુજરાત કયારેય નહી ભુલે જન્મદિવસે પ્રણામ

  2. રાષ્ટ્રીય શાયર,’શબદનો સોદાગર ‘એવા ઝવેરચંદ મેઘાણીની ચેતનાને શત શત નમન

Scroll to Top