નિહાળેલાં એ દ્રશ્યોનાં હજુ છે આંખ પર ડાઘા !
મથુ છું પણ નથી જાતાં પડ્યાં છે જાત પર ડાઘા !
વજન સપનાનું ઉંચકીને, ગયાં છે એ રીતે ફુલડાં !
કે જ્વાળાઓ ડઘાઈ ગઈ ને લાગ્યા આગ પર ડાઘા !
રૂપાળો હાથ વેકેશનનો પકડી ઘેરથી નિકળ્યાં,
અચાનક કાં દીધાં ઈશ્વર, રજાની મોજ પર ડાઘા !
પવન ડુસ્કાં ભરે છે ને ડીઝલનાં કંઠમાં ડૂમો,
સમય કરતો ગયો છે રાજકોટી ગાલ પર ડાઘા !
અમારી ચામડી બરછટ ને પહેલેથી જ મેલીદાટ !
નડે શું લોહી ફુવારા ! પડે શું ડાઘ પર ડાઘા !?
~ ડૉ. મનોજ જોશી ‘મન’

Pingback: 🍀1 જુન અંક 3-1177🍀 - Kavyavishva.com
ખુબ સંવેદનશીલ સાંપ્રત રચના
સકળ શે’ર મર્મજ્ઞ હ્રદયસ્પર્શી છે.
પડે શું ડાઘ પર ડાઘા?
સરસ રાજકોટની ઘટનાનો વેદનામય ચિત્કાર!
ડાઘા રદીફ લઈને લખાયેલ આ ગઝલ કોઈ ડાઘ વગરની સ્વચ્છ કવિતા.