ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ ~ વાત ક૨ Purushottam Mevada

તું મને સમજી શકે તો વાત ક૨,
કાં, તને સમજી શકે તો વાત કર.

ના બડાઈ હાંક મોટા જૂથની,
સંપને સમજી શકે તો વાત ક૨.

જો કરે સંવાદ તો રસ્તો મળે,
અન્યને સમજી શકે તો વાત કર.

પ્રેમ માનો હોય એની ના નથી,
બાપને સમજી શકે તો વાત કર.

પાન ખરશે એમ કૂંપળ ફૂટશે,
ચક્રને સમજી શકે તો વાત કર.

વાદ્યના સૂરો બધા અકબંધ છે,
‘સાજ’ને સમજી શકે તો વાત કર.

~ ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’

વાતની જ વાત છે અને એમાં જ એક ગઝલ નીપજી છે. આ ગઝલ કવિના ‘ગઝલ, નઝમ અને સોનેટસંગ્રહ ‘સન્નાટાની પળોમાં’ (2021)માંથી પસંદ કરી છે. કવિના બધાં કાવ્યો બોલચાલની ભાષામાં સહજ ઉદગારોની જેમ થયાં છે. એટલે ભાવકને એ તરત સ્પર્શી જાય છે. અઘરી ભાષા કે શબ્દોનો વિનિયોગ કવિને પસંદ નથી એ ખૂબ સારી બાબત છે. વાતો વાતોની વાતોમાં કવિ સહજ સત્યો પણ રજૂ કરી જાય છે. એમની કવિતામાં સંદેશનું પણ પ્રાધાન્ય ખરું. હળવાશથી કહેવાયેલી વાત લોકોને જલદી સમજાય… અભિનંદન કવિ….  

***

પુરુષોત્તમ મેવાડા ~ કાવ્યસંગ્રહ ‘મઝધાર’માંથી મજાના શેર

હોય જો હેમ તો તાપ ખમવો પડે
જેમ સોની કરે, ઘાટ ધરવો પડે. ***

જોઈ એને ઓ હૃદય તું ના ધબક
એ જ દેશે ઘાવ છાંટી નમક ! ***  

રેલના પાટા સામો સંબંધ છે
આપણો કેવો ઋણાનુબંધ છે ! ***

બધાં ઘુવડ બની બેઠાં છતાં
અઘોરી મૌન પીગળતું રહે.***

આંસુનો ઇતિહાસ લખો
આંસું શું છે ? ખાસ લખો. ***

દમ નથી વાતમાં ને શું પૂછ્યા કરે ?
એટલે મૂછમાં ‘સાજ’ મલકયા કરે.***

વડોદરાના આ કવિના કાવ્યસંગ્રહ ‘મઝધાર’ (2017)માંથી ચૂંટેલા શેર રજૂ કર્યા છે. કવિ સતત કવિતાના પ્રવાસમાં છે. કવિતા જ એમની મંઝિલ છે અને ‘વેણુનાદ’માં કવિ કૃષ્ણપ્રેમમાં લયલીન છે.. એમનો આ પ્રેમ પણ કવિતામાં વહ્યા કરે છે.   

***

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ ~ વાત ક૨ Purushottam Mevada”

  1. kishor Barot

    કવિશ્રી સાજ મેવાડા સરળ બાનીમાં સત્વશીલ અભિવ્યક્તિ કરવામાં માહેર છે. અભિનંદન. 🌹

Scroll to Top