ડો. મનોજ જોશી ‘મન’ ~ બે ગઝલ * Dr. Manoj Joshi

🥀🥀

અહો રૂપ એનું! અહો એનો લટકો!
ને અફસોસ સામે હું પણ વટનો કટકો.

ઝલક એકલી ખુદ હતી જાનલેવા,
ઉપરથી આ લટ હાય! મરણતોલ ફટકો…

નિતરતાં એ રાખી ઘણાં જીવ લીધાં,
વધુ ક્રૂર થઈ, ના ભીનાં કેશ ઝટકો.

નયન, નેણ, નર્તન, વદન, વેણ, વર્તન;
અમારું જરા કંઈ વિચારો ને અટકો.

પ્રથમ યાદનું આખ્ખું જંગલ ઉગાડ્યું,
પછી સ્મિત સાથે કહ્યું, ‘આવો, ભટકો!’

~ ડૉ. મનોજ જોશી ‘મન’

ગઝલની અદા તોફાની. પ્રાસરચના મસ્તાની.

🥀🥀

નથી રોટલો કંઈ આ બાએ ઘડેલો !
દિવસ છે ! ને એ પણ નસીબે ધરેલો !

તેં વિશ્વાસ કાનોનો જ્યારે કરેલો,
અમે એક સંદેશો આંખે લખેલો !

પછી હાથ વિફરી, ગમે તેને અડક્યા !
જરૂરી હતું ત્યારે, તું ના અડેલો !

ગમે તે ખસી જાય તો પણ પડું નહિ !
હું સંબંધથી નહિ ! સ્મરણથી બનેલો !

બધાંને પૂછું છું, તને પણ પુછી લઉં !
કે માણસ તને છેલ્લે ક્યારે મળેલો ?

ગઝલ માની એને બધાએ કહ્યું વાહ !
અમે એક કિસ્સો તમારો કહેલો !

~ ડૉ.મનોજ જોશી ‘મન’

બધા જ શેર મજાના અને કંઈક જુદું લઈને આવેલા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

10 thoughts on “ડો. મનોજ જોશી ‘મન’ ~ બે ગઝલ * Dr. Manoj Joshi”

  1. અંત્યાનુપ્રાસનો યોગ્ય વિનિયોગ થઈ શટ્યો છે.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    હળવાશથી કહેવાયેલી મજાની ગઝલો મન તરબતર કરે છે.

Scroll to Top