*કોણ છે કહેવાય નહીં*
આ હૃદય ધબકાર પરથી કોણ છે કહેવાય નહીં;
શ્વાસની દરકાર પરથી કોણ છે કહેવાય નહીં.
બાણ જો લાગે નિશાને તો પછી કહેવાય પણ-
એમ બસ ટંકાર પરથી કોણ છે કહેવાય નહીં.
સિંહ કે શિયાળ છે? એમાં સમય તો લાગશે;
એક બે પડકાર પરથી કોણ છે કહેવાય નહીં.
એક પણ ઉત્તર તને આપી શકે તો માનજે;
પ્રશ્નની ભરમાર પરથી કોણ છે કહેવાય નહીં.
દે તને વરદાન ત્યારે ઈશ જેવું લાગશે;
એકલા શણગાર પરથી કોણ છે કહેવાય નહીં.
જો, શિખંડીની પરખ તો ભીષ્મ સામે થાય છે;
યુદ્ધના લલકાર પરથી કોણ છે કહેવાય નહીં.
રોજ બદલાતા રહે એના ઘટક એ શક્ય છે;
આજની સરકાર પરથી કોણ છે કહેવાય નહીં!
વાદળાં દેખાય એવાં ક્યાં વરસતાં હોય છે?
વીજના ચમકાર પરથી કોણ છે કહેવાય નહીં.
અર્થને મારો ટકોરો, એ પછી સમજાય છે;
શબ્દના રણકાર પરથી કોણ છે કહેવાય નહીં.
~ ડૉ. મુકેશ જોષી
આશંકા, અનિશ્ચિતતાથી ભરેલું આ વિશ્વ. ડગલે ને પગલે ચકાસવું જરૂરી. ભ્રમ અને માયા માનવીને ભૂલાવે છે. કવિની સાથે સમ્મત થવું પડે, એમાં ના નહીં.
આ વાસ્તવિકતા હોવા છતાં વિશ્વાસ વગર જીવાય કેમ? મનમાં ક્યાંક ‘એ જ છે’ ‘એ જ છે’નું રટણ રાખવું તો પડે.
‘કોણ છે?’ ને ટકોરા મારવા કવિએ અનેક સફળ પ્રતીકો યોજયાં છે. આ છેલ્લો શેર ‘અર્થને મારો ટકોરો, એ પછી સમજાય છે; શબ્દના રણકાર પરથી કોણ છે કહેવાય નહીં’ વધુ ગમ્યો.

વાહ
શણગાર પરથી કોણ છે કહેવાય નહીં!
બહુ સચોટ વ્યંગ!
આશંકા વ્યક્ત કરતાં પ્રતિકો સાથે સુંદર ગઝલ.
વાહહ
ખુબ સરસ રચના આસ્વાદ પણ ખુબ સરસ
મારી ગઝલને દાદ આપનાર સૌ સર્જકો, ભાવકોનો દિલથી આભાર.
Very nice.
સરસ રચના