
બીજું કંઈ થયું નથી
કાં ભાસ, કાં આભાસ, બીજું કંઈ થયું નથી;
તૂટ્યો હશે વિશ્વાસ, બીજું કંઈ થયું નથી.
ઈશ્વર વિષેની શોધ પૂરી ના થઈ શકી;
મળ્યો નહીં આવાસ, બીજું કંઈ થયું નથી.
શોધી રહ્યો’તો હું મળે જો માનવી મને;
મળ્યા બધાં છે ખાસ, બીજું કંઈ થયું નથી.
કોણે કહ્યું કે જિંદગી પૂરી થઈ ગઈ?
ખૂટ્યા હશે બે શ્વાસ, બીજું કંઈ થયું નથી.
આયાસ મારો એ નથી કે હું ગઝલ લખું;
બેસી ગયો છે પ્રાસ, બીજું કંઈ થયું નથી.
~ ડૉ. મુકેશ જોષી
આ ગઝલ જીવનના સત્યોને એક પછી એક ખોલતી જાય છે.
‘કોણે કહ્યું કે જિંદગી પૂરી થઈ ગઈ? ખૂટ્યા હશે બે શ્વાસ, બીજું કંઈ થયું નથી.’ અદભૂત અને અર્થગર્ભ શેર છે!
જીવન પૂરું થયે મૃત્યુ આવે એ સનાતન સત્ય છે પણ એમાં ખાસ કશું થયું નથી…. સાચું, એ માત્ર અલ્પવિરામ છે, એ આગલા જન્મનો પ્રવાસ છે….
તો અંતમાં કવિ જાતને પણ છોડતા નથી….
હવે થાય તે ખરું
સોંપ્યું તને, હે રામ! હવે થાય તે ખરું,
તારે હજારો કામ, હવે થાય તે ખરું.
જો, દંડ, ભેદ, દામ, બધુંયે હતું છતાં,
અપનાવ્યું મેં તો શામ, હવે થાય તે ખરું.
એકાદ એવી વાત કહેવાઈ ગઈ હશે,
એણે ગજાવ્યું ગામ, હવે થાય તે ખરું.
શરણાઈના સૂરો હવે જ્યાં બંધ થઈ ગયા,
ખખડી શકે છે ઠામ, હવે થાય તે ખરું.
ઓગાળવાને દર્દ, ખુદ ઓગળી ગયો,
બદનામ પેલો જામ, હવે થાય તે ખરું.
સરખામણીમાં શું કરવું પેશ? લ્યો કહો,
મૂક્યું અમે તો નામ, હવે થાય તે ખરું.
~ ડૉ. મુકેશ જોષી

વાહ, ખૂબ જ સરસ ગઝલ, આપે પણ સરસ શેર ને ઊઘાડી આપ્યો ્
બન્ને ગઝલ સંવેદનશીલ છે.
વાહ ખુબ સુંદર રચના ગઝલની કરી છે આપે
ખૂબ જ સંવેદનશીલ ગઝલો છે હવે થાય તે ખરું
બીજું કંઇ થયું નથી, ચિંતનીય ગઝલ.
કવિને અભિનંદન.
સાદ્યંત સુંદર બંને ગઝલ!
ડો.મુકેશ જોષીની ગઝલમાં અધ્યાત્મનો મર્મ પામવાની મથામણ દૃષ્ટિગોચર થાય છે. ‘ખૂટ્યા હશે શ્વાસ” શેરમાં જીવન (આત્મા)ની શાશ્વત સફરમાં ગીતાનો સાંખ્યયોગ પડઘાય છે. મક્તા “પ્રાસ બેસી ગયો હશે”માં કવિનો સહજયોગી મિજાજ અને સૂક્ષ્મ રમૂજ સાથે ગંભીર વાતને વિરામ આપવાની કળા ભાવકને આનંદ આપી જાય છે.
“હવે થાય તે ખરું” ગઝલ આમ આદમીના જીવનમાં આવતા ઉતારચઢાવને હાસ્યરસમાં ઝબોળીને રજૂ કરે છે. શરમાઇને સૂર શમ્યા પછી વાસણ ખેડવાની વાત વાસ્તવના પડકારને ઇંગિત કરે છે તો દર્દને મટાડવા જતાં ઓગળી જતા અને અમથા જ બદનામ થતા જામની વાત તિતિક્ષાને કેવા સહજ ભાવે રજૂ કરે છે!
સરસ ગઝલો છે. બીજું કંઈ થયું નથી એમ કહીને હળવે હાથે અનેક ઘટનાઓ કહી. થાય તે ખરું રચનામાં સ્વીકાર અને તટસ્થ ભાવની સુંદર રજુઆત છે. અભિનંદન. શુભેચ્છાઓ.
બન્ને રચનાઓ ખુબ સરસ