
🥀🥀
*કાગળ ઉપર*
આમ બસ લીટા કરું કાગળ ઉપર,
તે છતાં પણ વિસ્તરું કાગળ ઉપર.
આ હલેસું એટલે મારી કલમ,
શબ્દનો દરિયો તરું કાગળ ઉપર.
બોલની કિંમત નથી આજે કોઈ,
વંચાય છે ખોટું ખરું કાગળ ઉપર.
ઉડ્ડયન આકાશમાં કરતો ભલે,
છેવટે આવી ઠરું કાગળ ઉપર.
આમ પૂરી થઈ ગઈ ‘હમદમ’ ગઝલ,
રહી ગઈ મુજ આબરૂ કાગળ ઉપર.
~ તુરાબ ‘હમદમ’
સર્જકને કાગળ વગર ઠરવું ક્યાં ? બળવું ક્યાં ? શરણું ક્યાં ?
હવે લેપટોપ પર લખનારા માટે ય સ્ક્રીન એ કાગળનો જ અવતાર બની ગયો છે.
🥀🥀
*અજંપો*
નથી એક ચપટી નગરનો અજંપો,
મને રોજ પીડે છે ઘરનો અજંપો.
રડે નહિ કદી આમ ઝાકળના રૂપે,
હશે રાતને રાતભરનો અજંપો.
નથી જંપ હોતો કદી ઓસરીને,
સતત કોરી ખાય ઉંબરનો અજંપો.
મંઝિલ મળે ના મળે તોય શું છે ?
મને છે ફક્ત આ ડગરનો અજંપો.
લીલોછમ્મ લાગું ભલે બહારથી હું,
મને રોજ ડંખે ભીતરનો અજંપો.
પીળા એટલે થઈ ગયા પર્ણ લીલા,
ઝળુંબે સતત પાનખરનો અજંપો.
~ તુરાબ ‘હમદમ’
‘અજંપો’ એ કોઈપણ કવિનો સ્થાયીભાવ છે. પીડા અને અજંપો સાથે સાથે વસે છે અને કવિતાને જન્મ આપે છે.
પ્રથમ શેરમાં ‘ચપટી’ શબ્દની જગ્યા જરા અઘરી લાગે છે. કવિનો ભાવ ‘ચપટી અજંપો’ કહેવાનો જ હશે.
છેવટે આવી ઠરું કાગળ ઉપર… કયા બાત, કવિ. વાહ.આદરણીય શ્રી તુરાબ સાહેબ ઓછું લખે છે, પણ આછું તો નહી જ.અભિનંદન.
કવિ મિત્ર હમદમ ની રચનાઓ ખુબ ગમી મોર ના ઈંડા ચિતરવા ના પડે આદરણીય કુતુબ આઝાદ સાહેબ નો વારસો જાળવી રાખ્યો છે બગસરા જેવા નાના સેન્ટર મા ‘તમ્મના ‘ માસિક આટલા વર્ષો થી ચલાવવુ ખુબ અઘરૂ છે જે ધન્યવાદ ને પાત્ર છે
બંને ગઝલો ખૂબ સરસ, કાગળ-કલમ ઉપર સરસ શેર કહ્યા છે. આપની વાત સાચી લાગી, ‘ચપટી’ શબ્દ ખટકે છે.
‘આઝાદ તમન્ના’ સામયિક અને હવે ‘તુરાબ હમદમ’ નામ સ્થાને ‘તુરાબ આઝાદ’થી સર્જનરત અને પ્રકાશનક્ષેત્રે ઝઝુમતા માન. તંત્રી ‘તુરાબ’ભાઇ આગવું અને આંતરમુખી વ્યક્તિતવ ધરાવે છે. સામાજિક અને સાહિત્યિક નિસબત સાથેનો ‘પીનપોઈંટ’ મુદ્દો પણ ક્યારેક એમની ગઝલ કે મુક્તક રચનામાં શેરિયત સાથે ‘વીજળીના ચમકારે’ જેમ આવી જતો હોય છે.
‘અજંપો’ રચનાની પ્રથમ પંક્તિ- “નથી ચપટી જેવો નગરનો અજંપો”…. એમ ધારીને મેં માણી છે. મજા મજા.
::દા. વા:::