
🥀 🥀
કમાડે ચીતર્યા મેં લાભ અને શુભ અને આલેખ્યા શ્રી સવા પાને
સુખ આવશે અમારે સરનામે
તાંબાના તરભાણે કંકુ લીધું ને એમાં આચમની પાણીની ઢોળી
જમણા તે હાથ તણી આંગળીએ હેત દઈ, હળવે હળવેથી રહી ઘોળી
સ્નેહ તણા સાથિયા જ્યાં આંખે અંજાયા, પછી કહેવાનું શું ય હોય ગામે?
સુખ આવશે અમારે સરનામે
અવસરના તોરણિયા લીલું હસે ને કહે : હૈયામાં હેત ભરી આવો
લાખેણી લાગણીઓ લ્હેરાતી જાય, કહે : લૂંટી લ્યો વ્હાલ ભર્યો લ્હાવો
મરજાદી ઉંબરાને ઠેસે વટાવતીક, દોડી આવી છું હું જ સામે
સુખ આવશે અમારે સરનામે
નાનું શું આયખું, ને મોટેરી આશા, એમાં થઈ જાતી કેટલીય ભૂલ
ખીલવા ને ખરવાની વચ્ચે સુગંધ થઈ, જીવતાં જાણે છે આ ફૂલ
સંબંધાવું તો છે મ્હેક મ્હેક થાવું, એને મૂલવી શકાય નહીં આમે
સુખ આવશે અમારે સરનામે.
~ તુષાર શુક્લ
🥀 🥀
નવા વર્ષે હર્ષે,
નવા કો ઉત્કર્ષે, હૃદય, ચલ ! માંગલ્યપથ આ
નિમંત્રે; ચકો ત્યાં કર ગતિભર્યા પ્રેમરથનાં.
નવી કો આશાઓ,
નવી આકાંક્ષાઓ પથ પર લળુંબી મૃદુ રહી;
મચી રહેશે તારી અવનવલ શી ગોઠડી તહીં !
ઑન ધ બીટસ્
હજારો પથિક આ તિમિરઘેર્યા પથ પર
વિના તેજ અટવાઇ વલખી રહ્યા છે
જલાવી દે જીવન ! નવયનદીપ તારા-,
બનાવી દે બળતા હૃદયને મશાલી.
~ શૂન્ય પાલનપુરી

મનભાવન સુંદર રચનાઓ
સુંદર રચનાઓ ખુબ ગમી
સરસ રચનાઓ
નવા વર્ષની શુભેચ્છા સમી બંને રચનાઓ સરસ છે