તેજસ દવે ~ તારી સામે * Tejas Dave

તારી સામે મારી ઇચ્છા લે આ મૂકી, તારાથી જે થાય કરી લે;
સૂરજ સામે આંખ અમારી બે આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ધક્કા મારી-મારીને તેં કીધું’તું કે, ‘અહીંયા કદી ન પાછો ફરતો’,
તેં દીધેલી ધમકી ગજવે મેં આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા, સમજી લેજે!
છિદ્ર પડેલી હોડી તરતી એ… આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ઝાડ કહે કે, ‘એક જ તણખે આખું જંગલ ખાક થશે’ પણ જંગલ રચવા-
એક જ કૂંપળ કાફી છે ને તે આ મૂકી, તારાથી જે થાય કરી લે.

~ તેજસ દવે

‘તારાથી થાય એ કરી લે’–અનેક લોકોને વારે વારે બોલવાની આદત હોય છે. બોલચાલના આ પ્રયોગને એની પૂરી અર્થછાયા સહિત કવિએ ગઝલમાં જે રીતે વણ્યો છે, સલામ કવિ !

આ જ મિજાજ દીપ્તિ મિશ્રાની હિંદી ગઝલમાં અનુભવી શકાય છે.

વો નહીં મેરા મગર ઉસસે મુહોબ્બત હૈ તો હૈ ; યે અગર રસ્મો રિવાજ સે બગાવત હૈ તો હૈ

દમદાર ગઝલ સાથે યુવાપ્રિય કવિનું એવું જ યુવાપ્રિય ગીત સાંભળો. શબ્દો સીધા કાનમાં અને સંગીત હૃદયમાં…

‘મોસમ’ આલ્બમમાં અભિષેક સોનીએ ગાયેલું કવિનું આ રોમાંટીક ગીત સાંભળો

1.3.21

રચના : તેજસ દવે * સંગીત અને સ્વર : અભિષેક સોની

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “તેજસ દવે ~ તારી સામે * Tejas Dave”

Scroll to Top