દક્ષા સંઘવી ~ ઇચ્છાનાં પીંછાઓ * Daxa Sanghavi

ઘર રે ગૂંથું છું

ઇચ્છાનાં પીંછાઓ સાચવી સાચવીને
મૂકું છું લાગણીના બાનમાં
હું તો ઘર રે ગૂંથું છું મકાનમાં.

સૂરજના તાપ અને સમદરની મોજ
મેં તો બાંધ્યાં રે બાંધ્યાં સામાનમાં
હું તો ઘર રે ગૂંથું છું મકાનમાં.

ડાળડાળ પર્ણોને મોકલ્યાં છે કહેણ
ઓલ્યા ટહુકાને સાથે લઇ આવજો
ઊંચેરી ડાળ ઉપર ખીલ્યાં તે ફૂલોને
હળવેથી ચૂંટી ઉતારજો
જંગલનાં ઝાડ ઝાડ દીધાં છે નોતરાં
સમજી લેજોને બધું સાનમાં
હું તો ઘર રે ગૂંથું છું મકાનમાં.

ઓ રે ઓ વાયરા ગીતો રેલાવજો
ઝરણાને ઝાંઝર પહેરાવજો
આકાશી એનઘેન દીવા-રંગોળી
મારા શમણામાં તોરણ બંધાવજો
ઘેલી રે ઘેલી તેં તો બાંધ્યા આકાશ
એમ ગણગણતું કોણ મારા કાનમાં
હું તો ઘર રે ગૂંથું છું મકાનમાં……….

~ દક્ષા સંઘવી  

મનનો માળો ~ લતા હિરાણી  (દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 74  > 19 ફેબ્રુઆરી 2013)

પ્રસન્નતાથી છલકાતા ને મધુરપથી ભરી દેતા આવા ગીતો ઓછાં જડે છે

સીમેંટ કોંક્રીટની દિવાલોમાં ઘર ગૂંથવાની અહીં વાત છે. ગૂંથવાનું કામ બહુ ઝીણવટ અને ચીવટ માગી લે છે. પૂરી ધીરજ અને તમન્ના હોય તો જ એ બની શકે. નાયિકાને ઘર ગૂંથવું છે. ઘરમાં સંઘરવા માટે મનમાં આકાશ જેટલી ઇચ્છાઓ વ્યાપેલી છે એને ઝીણા ઝીણા તાંતણે ગૂંથવાની છે. ઘર નાનું હોય કે મોટું, એક ગૃહિણી માટે એ પોતાના સપનાંનો સંસાર છે. આ ઘર ગૂંથવાની રીત પણ કેવી અનેરી છે ! સૂરજનો હૂંફાળો તાપ અને સમંદરની મોજ સામાનમાં બાંધી લીધાં છે. ઘરમાં હૂંફ હોય જ, નહીંતર એ ઘર ન કહેવાય અને સાથે સાથે મન પડે એમ મોજથી મહાલવાની મોકળાશ પણ હોય. એટલે અહીં સૂરજ અને સમંદરના પ્રતિકોનો સુંદર ઉપયોગ થયો છે. ઉમંગના આ ઉત્સવમાં નાયિકા બધાં વૃક્ષો અને પર્ણોને પણ સહભાગી બનાવવા માગે છે. એટલે એણે ડાળેડાળ અને એક એક પર્ણોને કહેણ મોકલ્યાં છે કે ‘ઓલ્યા ટહુકાને સાથે લઇને આવી જજો. એટલું જ નહીં ઊંચેરી ડાળ પર ખીલેલાં ફૂલોને હળવેથી ચૂંટીને ઉતારજો.’ આ ઘરને શણગારવા માટે કેટકેટલાં વાનાં જોઇશે ?

નાયિકા આગળ કહે છે, અરે ઓ વાયરા, તમારા ગીતો વગર બધું સુનું સુનું લાગશે. દિલ ખોલીને જરૂર ગાજો અને ઝરણાંનેય ઝાંઝર પહેરાવી દેજો જેથી મારા ઘરના ઉત્સવમાં કોઇ કચાશ ન રહે. અહીં ઝરણાંને ઝાંઝર પહેરાવવાની વાત બહુ નાજુક અને સૂક્ષ્મ સંવેદનસભર બની ગઇ છે. નાયિકા આકાશનેય પોતાની સાથે બાંધી લે છે. એનઘેન દીવા રંગોળી આકાશ પાસેથી ઝંખે છે..વળી પોતે જ કહે છે ‘ઘેલી રે ઘેલી તેં તો બાંધ્યા આકાશ, એમ ગણગણતું કોણ મારા કાનમાં ?

પોતાનું ઘર બનાવવું એ સ્ત્રીના જીવનનો મહામૂલો પ્રસંગ છે. નવા ઘરની મધુર કલ્પના અને ઉમંગ આ કાવ્યમાં જે વર્ણવાયો છે તે કોઇ પણ સ્ત્રી સારી રીતે સમજી શકે. કવયિત્રીએ પ્રકૃતિના કેટલાં બધાં તત્વોને પોતાની ખુશીમાં, પોતાના ઉત્સવમાં સામેલ કર્યા છે અને એ એટલા જીવંત રીતે વણ્યા છે કે ભાવક પણ નાયિકાની ખુશીથી ભીંજાયા વગર ન રહે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

8 thoughts on “દક્ષા સંઘવી ~ ઇચ્છાનાં પીંછાઓ * Daxa Sanghavi”

  1. ઉમેશ જોષી

    મકાનને ઘર બનાવતી રચના રોચક છે.
    અભિનંદન.

  2. Kirtichandra Shah

    Very good poetry. Taking visible સિમ્બોલ the poet hv created some invisible world Dhanyvad

  3. કેવી સુંદર રીતે પ્રકૃતિના સાંનિધ્યમાં ઘરને ગુંથવાની વાત કહી છે! વાહ વાહ

  4. ઝરણાને ઝાંઝર પહેરાવજો
    આકાશી એનઘેન દીવા-રંગોળી
    મારા શમણામાં તોરણ બંધાવજો…સરસ આનંદભરી રચના.
    સરયૂ પરીખ.

Scroll to Top