પાણીના પરચા
પાણીના પરચા પરપોટાને પૂછો.
ડૂબીને તરતાં પરપોટાને પૂછો.
કેદ પવનને કરવો હોય સરળતાથી,
મંત્રો ક્યા જપવા પરપોટાને પૂછો.
પાણી વ્હેતાં હોય ભલે ગીતો ગાતાં,
પાણીની પીડા પરપોટાને પૂછો.
ઈશ્વરની જેમ પ્રગટવા પાણીમાંથી,
ભીતરના રસ્તા પરપોટાને પૂછો.
હોવા ના હોવાની અટકળના પ્રશ્નો,
દરિયાને અથવા પરપોટાને પૂછો.
કેમ કરી પળમાં તરવા શ્વાસ સમંદર,
રાખીને શ્રદ્ધા પરપોટાને પૂછો.
~ દર્શક આચાર્ય
અહીં દર્શક આચાર્યએ પરપોટા વિશે મુસલ્લસલ ગઝલ રજૂ કરી છે. પરપોટો એટલે જ તકલાદીપણું એની ક્ષણભંગુરતાનું અહીં દરેક શેરમાં કવિએ આત્મવૃતાંતથી બયાન કરતા કવિ કહે છે કે પાણીના પરચા પરપોટાને પૂછો..એમ જ
ડૂબીને તરતા,પવનને કેદ કરવો હોય તો મંત્રો ક્યાં જપવા..પાણીની પીડા, પાણીનો આનંદ, જન્મ, ઈશ્વર, ભીતરના રસ્તા, અસ્તિત્વ વગેરે રહસ્ય ઉપર સાહજિકતાથી પડદો ઊંચકી લીધો હોવા છતાં એ બધું જાણવા કવિ કહે છે કે “પરપોટાને પૂછો”. ઉત્તર આપી દીધો હોવા છતાં એ જાણવા પરપોટાને પૂછો એમ કહી એક અલગ પ્રકારની રજૂઆતની શૈલી માટે આ ગઝલનું સ્થાન અનોખું છે. આ ગઝલ દેખીતી રીતે સાવ સરળ સહજ લાગતી હોવા છતાં દરેક શેરમાં તત્વબોધ દાખવી કવિએ ગઝલને એક ઊંચાઈ આપી છે. કવિને ખૂબ ખૂબ અભિનંદન.
~ દિલીપ જોશી
OP 8.10.22
