દલપતરામ ~ સૌ જાય શેરબજારમાં * Dalpataram

🥀 🥀

સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
વાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય શેરબજારમાં

નોકરીઆ તે નોકરી છોડવાં
કીધા રીપોટ સરકારમાં રે…જન સૌ જાય…

મેતાજીઓએ મેલી નિશાળો
વળગીઆ એ વેપારમાં રે… જન સૌ જાય…

હોંશથી જઇને નાણાં હજારનો
લાભ લે વાર લગારમાં રે … જન સૌ જાય…

ધમધોકારથી શેરનો ધંધો
ઉછળ્યો વર્ણ અઢારમાં રે… જન સૌ જાય…

મોચી, ઘાંચી ને માલી હાલીમાં
સાલવી, સઇ સુતારમાં રે… જન સૌ જાય…

ગાંધી ગાંઠે શેર બાંધીને રાખે
વસાંણુ ન ભરે વખારમાં રે… જન સૌ જાય…

જેમ તેમ કરીને નાણું જમાવવું
સમજ્યા એટલું સારમાં રે… જન સૌ જાય…

પોતાના કામનો કશો વિચાર પણ
ન રહ્યો કોઇ નરનારમાં રે… જન સૌ જાય…

ચાલતાને જોઈ જોઈને ચાલે
જેમ લશ્કરની લારમાં રે… જન સૌ જાય…

બેંકવાલા શેર સાટે બહુ ધન
આપવા લાગ્યા ઊધારમાં રે… જન સૌ જાય…

કરજ કરી એવો ધંધો કરતાં
પહોંચ્યા હદથી પારમાં રે… જન સૌ જાય…

દલપતરામ કહે એવું દેખી
કોપ ઉપજ્યો કરતારમાં રે… જન સૌ જાય…

શેરબજારની તેજી જ્યારે પૂરબહારમાં હતી ત્યારે વિવેકીને ભાન ભૂલાવે એવા સમયે કવિ દલપતરામ પણ કવિતાને બદલે શેર-સટ્ટાના કુ-છંદે ચડ્યા હતા. કવિએ તો નાણાં ગુમાવ્યા પણ ગુજરાતી ભાષાને આજદિન લગી વણખેડ્યા રહેલા શેરબજારની તેજી તથા સટ્ટાના પરિણામો જેવા વિષયો પર કેટલીક યાદગાર રચનાઓ મળી. ~ વિવેક ટેલર

કવિના જન્મદિવસે સ્મૃતિવંદના

સૌજન્ય : લયસ્તરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “દલપતરામ ~ સૌ જાય શેરબજારમાં * Dalpataram”

  1. સુરેશ 'ચંદ્ર'રાવલ

    વાહ કવિ શ્રી દલપત રામ…. આટલાં વરસે હર્ષદ મહેતા યાદ આવી ગયાં હજારો લોકોને રાતે પાણીએ રડાવી ગયાં…લાખના બાર હજાર કરાવી ગયાં વાહ દલપતરામ

Scroll to Top