
કાગળના વિસ્તાર પર
ધણથી છુટા પડેલા ઢોર જેવો
હું
અહીં કાગળના વિસ્તાર પર રોજ રઝળપાટ કરું છું
પાનાંનાં પાનાં ભરાય છે રોજ
શબ્દની મોરીએ કશું ખેંચાઈ આવશે
એ આશાએ મથ્યા કરું છું રોજ
પણ આજ લગી
એકાદ ગલીનો વળાંક સુદ્ધાં
હું વાંચી શક્યો નથી
હતું કે કાગળ કેડી કોતરી લેશું
કૂવો પાણી ખેંચી લેશું
એક લસરકે ગામ પાદરને ઊંચકી લેશું.
આ શબ્દોની ભીડમાં
મારો શેઢો ક્યાંય ઊકલ્યો નહીં
એક જ કમાડમાં આટલા બધા શબ્દો
વસાઈ જશે એની ખબર નહીં
બાકી નળિયા આગળ જ નમી પડત
હજુયે કહું છું કે
મોભારે ચડવાનું માંડી વાળો આમ શબ્દો સંચાર્યે
કદી ઘર નહીં છવાય !
બારે મેઘ ખાંગા ત્યાં
નેવા ઝીલવાનું તમારું ગજું નહીં જીવ !
તંગડી ઊંચી ઝાલીને
અંદર આવતા રો
એકાદ ચૂવો આંતરી લેવાય ને
તોય ઘણું !
~ દલપત પઢિયાર ‘એકાદ ચૂવો આંતરી લેવાની’ વાત ફેસબુકિયા ‘કવિ’ ‘લેખકો’ને ક્યાંથી સમજાય ?
ચાલુ ચોમાસે
ચાલુ ચોમાસે
નવેરામાં
નવા આંબા ઉગ્યા હશે
આ લ્યો
ઊગેલા ગોટલાને ઘસી ઘસી
પિપૂડી વગાડવાની ઉંમર તો
આખરે
થડિયું થઈને રહી ગઈ
અમને
ફૂટવાનો અનુભવ ક્યારે થશે ?
~ દલપત પઢિયાર
અમને ફૂટવાનો અનુભવ ક્યારે થશે ?
આ ‘ફૂટવું’ પ્રક્રિયા ચેતનાના સ્તર મુજબ જુદી જુદી રીતે માનવીમાં જોવા મળે !
કવિને જન્મદિવસે સ્નેહવંદના

વાહ વાહ ખુબ સરસ બન્ને રચનાઓ જન્મદિવસ ની શુભ કામનાઓ
વાહ, ગામઠી શબ્દો સમજનારા વયસ્ક હોય જ, છતાં ભાષા સચવાય એ જરુરી છે. બે ત્રણ શબ્દો ભાવકને ઢંઢોળે એજ કવિની સાર્થકતા.
સાચું મેવાડાજી
કાગળના વિસ્તાર પર… સરસ કટાક્ષમય રચના….
જન્મ દિવસ ની મંગલ કામનાઓ કવિશ્રી ને…