🥀 🥀
જિવતર માગે છે જુગની ઝંખના!
ભભુંકે વીજલનાં ગીત જો.
અધીરપ ઊઠી છે મારા પ્રાણમાં,
રૂઠી છે રૂદિયામાં પ્રીત જો!
વાતા ઇશાની દિશના વાયરા
ગાજે મેહુલા અસીત જો!
ગહેકે ગેબુંમાં વ્યાકુળ મોરલા
આખું આયુ અમીત જો!
ઘટ ઘટ જાગી રે મારે ચાહના
રોમે રોમે તે આગ જો!
વસમાં વાવાઝડ વીંઝતાં
વ્રેહા ઉમડે અથાગ જો!
કોને રે ચાહું? કોને છોડવાં?
હૈડું માગે અસીમ જો!
આવો વરસો રે જુગની ઝંખના
આખી ભૂખી છે સીમ જો!
~ લક્ષ્મીનારાયણ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ (13.11.1913 – 23.10.1970)
🥀 🥀
વીજલડી રે, વિજન પથે ઝબકાર
કરી જોજે જરી!
કંઈ ગાઢ વનો પથરાયાં છે,
ઘનઘોર અંધારાં છાયાં છે,
પથચિહ્ન બધાં અટવાયાં છે.
વીજલડી રે! —
સહુ સાથ સંગાથ તજાયા છે,
મન એકલતાથી દુભાયાં છે,
સ્મૃતિની એકજ તું માયા, હે!
વીજલડી રે!—
ઉર દરશન વિણ રઘવાયાં છે,
અંતરનાં દૃગ ખોવાયાં છે,
પેલાં સ્વપ્નોનાં ધામ લુટાયાં છે!
વીજલડી રે!—
~ લક્ષ્મીનારાયણ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ (13.11.1913 – 23.10.1970)
સૌજન્ય : રેખ્તા ગુજરાતી

ખૂબ જ સરસ ગીતો.
ખુબજ સરસ ગીતો ખુબ ગમ્યા 🌹🌹