દિનેશ કાનાણી ~ વાંસળી વાગે નહીં & અમુક લોકો * Dinesh Kanani  

વાંસળી વાગે નહીં

એમ ફૂંકો ફૂંકવાથી વાંસળી વાગે નહીં,
સૂર વિશે વાંચવાથી વાંસળી વાગે નહીં.

શબ્દ વિના સાચી ઓળખ આપવાની હોય છે,
તક્તીઓને ટાંગવાથી વાંસળી વાગે નહીં.

સ્થિર થઈને પામવાના હોય ભીતરના અવાજ,
જ્યાં અને ત્યાં નાચવાથી વાંસળી વાગે નહીં.

છોડવાની હોય માયા ને મમતની ગાંસડી,
કંઠીઓને બાંધવાથી વાંસળી વાગે નહીં.

થાય જૂના તો વિચારોનેય પડતા મૂકવા,
એકનું એક ઘૂંટવાથી વાંસળી વાગે નહીં.

ઊર્મિઓની આંધી સાથે ડૂબીને તરવું પડે,
કૃષ્ણ સામે રાખવાથી વાંસળી વાગે નહીં.

~ દિનેશ કાનાણી

‘વાંસળી વાગે નહીં’નો સંકેતાર્થ સરસ અને દરેક શેરે અલગ અલગ નીપજી આવ્યો છે….

એક કાવ્ય

અમુક લોકો
ઉમ્રભર બોલતા રહે છે.
હે ! રામ

તો
અમુક લોકો કોઈ કોઈવાર
બોલે છે જય શ્રી રામ
પણ
,
સૌના માટે
ઘણા લોકોને બોલવું તો પડે
‘જ’ છે
રામ બોલો ભાઈ રામ.
~ દિનેશ કાનાણી

રામ બોલો ભાઈ રામ એકમાત્ર અને અંતિમ સત્ય

@@@

કવિ દિનેશ કાનાણી ‘ડાયલોગ’ નામે અનિયતકાલિક સામયિકમાં પોતાની પસંદગીનું સાહિત્ય પ્રકાશિત કરતા રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “દિનેશ કાનાણી ~ વાંસળી વાગે નહીં & અમુક લોકો * Dinesh Kanani  ”

  1. ઉમેશ જોષી

    રામ બોલો ભાઈ રામ અને ગઝલ અપ્રતિમ છે.

  2. સુરેશ 'ચંદ્ર'રાવલ

    વાહ બન્ને રચનાઓ ખૂબ સરસ… એક વાંસળી અંતરતલે પણ વાગે છે… ને પછી આતમરામના તાર તાર ઝણઝણે છે… બધાં શેર સરસ અને છેલ્લા શ્રમ અદભુત ચોટ…

Scroll to Top