એકલો પડું ને તમે સાંભરો
થાળીમાંથી ચોખા લઇ વીણતાં હો,
એવી બપ્પોર મને સપનામાં આવે
ઉંબરામાં ઊભા રહી, ટીકી ટીકીને પૂછો
કાચી કેરીનું શાક ભાવે ?
જિંદગીની ગોધૂલીવેળા છે ઢૂંકડી,
છાના રહો જીવ, ન ભાંભરો…
ઊના પાણીની ડોલ ઊંચકું, ઊંચકાય ?
એમાં સાત સાત સમદરના જળ
કૂણા ટુવાલથી લૂછું છું ડિલ
અને ખરખરખર ખરતા અંજળ
એકલો પડું ને ‘અમે’ સાંભરો
એકલો પડું ને તમે સાંભરો….
~ દિલિપ ભટ્ટ
પત્ની વિરહની પીડાએ, વ્યથિત પતિના બળબળતા હૈયામાંથી ખરખર સરતા સૂક્કા શબ્દો એટલે દિલિપ ભટ્ટનું કાવ્ય, ‘એકલો પડું ને તમે સાંભરો..’ આમ જુઓ તો સીધી સાદી લાગતી આ વાત એવી ઊંડી ચેતનામાંથી પ્રગટી છે કે જેણે પ્રૌઢ વયે પત્ની ગુમાવી છે અને સહજીવન સદાય ભર્યુંભર્યું રહ્યું હોય એના ચિત્તમાં જ આવી ક્ષણો છવાય !!
સાથ છૂટ્યાની પીડાના, નિસાસાના સંકેતો એટલા જીવંત છે કે ભાવકના ચિત્તને એ રણઝણાવી દે છે. થાળીમાં ચોખા વીણતી અને ‘કાચી કેરીનું શાક ભાવે ?’ પૂછતી પત્નીનું શબ્દચિત્ર એટલું તો સાહજિક બને છે અને એકદમ કવિ કહી ઊઠે છે, ‘છાના રહો જીવ, ન ભાંભરો……. ’ભાંભરો’ શબ્દ બહુ સૂચક છે. એ ‘સાંભરો’ના પ્રાસમેળમાં પ્રયોજાયો છે પણ ‘ભાંભરવા’માં શબ્દ વગરનો મોટો અવાજ, લાઉડનેસ છે. આ એક શબ્દની અર્થછાયા પીડાનો કેટલો મોટો પહાડ રચી દે છે !
કવિતાની છેલ્લી બે પંક્તિ એક આખા કાવ્ય જેટલી સક્ષમ છે.
એકલો પડું ને ‘અમે’ સાંભરો
એકલો પડું ને તમે સાંભરો…..
21.1.21
*****
કિશોર બારોટ
13-04-2021
મને અતિ ગમતું ગીત આજે ફરી માણવા મળ્યું તેનો આનંદ છે
Purushottam Mevada, Saaj
13-04-2021
દિલિપ ભટ્ટ ની કવિતામાં નંદવાયેલા દામ્પત્યજીવનમાં એકલતાની પીડા અનુભવાય છે.
