દિલીપ ઝવેરી ~ સિંહ – બદામી ટેકરીઓ & મેલા વરસાદમાં * Dilip Zaveri  

હરણનો શિકાર

સિંહ – બદામી ટેકરીઓ
ઝરણાશા વ્હેતા આભકિનારે થંભી આવ્યો
હવામહીં તરવરતો તડકો
ઠેકઠેકમાં થરકે લીલાં પાન
ઝીણા તારે કરોળિયો શી પીતો સૂરજ હૂંફ!
નીકળી હળવે પગલે બહાર કાચિંડો લીલો
અને ઘાસ પે ઝાકળ ઝબક્યું
ધુમ્મસના પંજાની વધતી ભીંસ
તાર પર બેઠાં કબૂતર ઊડ્યાં
પૂંઠળ દોડ્યા મોટા પડછાયા
ને ફેલાયા નળિયાં પર
જેની હેઠ દબાયાં મકાન
ભીંતે કપાયલી બારીની
દદડયા અવાજ
કટકા થયા અર્થના શબ્દે શબ્દે
શબ્દ મહીંથી
આંખ ચામડી જીભ નાક ને કાન બન્યાં
આ હવા મહીં ઓગળતાં જાતાં રૂપ એમનાં
અને ફરી ઝરણાશું વ્હેતું આભ કિનારે
તડકો પીને
સિંહ – બદામી ટેકરીઓ.

~ દિલીપ ઝવેરી તુષાર‘ (3.4.1943 )

જન્મસ્થળ મુંબઈ. વ્યવસાયે ડૉક્ટર.

કાવ્યસંગ્રહ પાંડુકાવ્યો અને ઇતર

પૌરાણિક પાત્રને આધુનિક સંદર્ભ આપી શકે છે. લયમુદ્રાનો કવિ. – સુ.દ.

@@

જીભતર

મેલા વરસાદમાં પલળ્યા હો
છાંયડા વિનાના રસ્તે ન હટતા પરસેવાને હડસેલતા હો
લોકલ ટ્રેનની ગરદીમાં છુંદાતા હો
દુર્ગંધમાં અકળાતા હો
જીવવા સાથે લગરીક પણ લગાવ ન રહ્યો હો
અને ચાલવાનું ખૂટે નહીં
ત્યારે સમજાય
ઘર એટલે શું

તમે જેને ઘર સમજો છો
તે મારા માટે કવિતા છે

ઘર તો ક્યારેક જ સજાવેલું હોય
બાકી તો વેરવિખેર
પણ એની એ જ ખુરશીમાં બેસી
એની એ જ રંગની ભીંત સામે જોતાં જોતાં
ફૂંકથી છારી હઠાવી ટાઢી ચાને હોઠે લગાડતાં
જૂના ધાબામાં એકાદ નવો ચહેરો વરતાય
કે મિજાગરે ત્રાંસી બારીની ફાટમાંથી દેખાતી
ઓળખીતી અણગમતી શેરીમાં
અજાણ્યો પવન ફરફરિયાં ઉડાવી જાય
અને એની એ જ રોજની ભૂખ માટે
એની એ જ દાળમાં
એનો એ જ રાઈમેથી લસણનો વઘાર પડે
તોય જીભે નવેસરથી રઘવાટ થાય

એમ જ
કવિતા નવા શબ્દને જીભ પર સળવળતો કરી દે છે.

~ દિલીપ ઝવેરી

અહીં વિષય એક વાસ્તવિક ઘરનો જે અંતે કવિતાથી શરૂ થાય અને કવિતા પર આવીને વિરમે. ઘર વિશે અહોભાવથી સારી સુંદર કલ્પનાઓ કરી શકાય. પરંતુ જે, જેવું છે એને એવું જ સ્વીકારવામાં વધારે પ્રેમ અને પૂરી સચ્ચાઈ ઊઘડે છે અને કવિતાને બીજું શું જોઈએ ? આ જ કવિતાના મૂળ ભાવ એટલે કે ‘જીવતર’ ની સાથે જોડી શકાય એવો એક નૂતન શબ્દ કવિની કલમથી જન્મે છે, ’જીભતર’ અને આપણા મનમાં કંઈક નવું સળવળે છે !     

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “દિલીપ ઝવેરી ~ સિંહ – બદામી ટેકરીઓ & મેલા વરસાદમાં * Dilip Zaveri  ”

  1. હરજીવન દાફડા

    કાવ્યવિશ્વમાં મારો શેઅર લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર લતાબહેન

  2. ઉમેશ જોષી

    જન્મ દિવસની સુકામનાઓ પાઠવું છું.
    બન્ને રચના ગમી…

  3. બંને કાવ્યો પોતપોતાની રીતે સરસ બન્યાં છે.અભિનંદન.

Scroll to Top