
આવ સજનવા
મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.
ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…
આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…
હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,
મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,
મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…
~ દિલીપ રાવળ
વરસાદની મોસમ શરૂ થઈ છે તો એક ભીનું ભીનું મદમસ્ત ગીત.

વરસાદી માહોલ પ્રિયતમા માટે ઉદ્દીપક બનીને આવે છે એ ભાવને વાચા આપતી સરસ રચના.અભિનંદન.
ખૂબ સરસ ગીત..
ખુબ સમયોચિત સરસ મજાની વરસાદી રચના ખુબ ગમી અભિનંદન
ખૂબ જ સરસ વરસાદી ગીત.