દિવ્યા રાજેશ મોદી ~ જિંદગીનો એ & હું તને * Divya Rajesh Modi

🍀

*‘શ્રી સવા’ લાગી !*

હું તને કેમ ચાહવા લાગી ?
દિલને હું એમ પૂછવા લાગી.

જળની વચ્ચે જગા થવા લાગી,
શું નદી સાવ તૂટવા લાગી ?

ટોચ પર સડસડાટ પ્હોંચીને,
આ હવા કેમ હાંફવા લાગી ?

બાગ પણ પાયમાલ લાગે છે,
પાનખરની જરા હવા લાગી.

દ્વાર જ્યાં બંધ થાય છે કોઈ,
એક બારી ત્યાં ખૂલવા લાગી.

વાત તારી ઉતારી કાગળમાં,
તો ગઝલને એ ‘શ્રી સવા’ લાગી !

સાથ તારો અહીં દુઆ જેવો,
પ્રીત તારી મને દવા લાગી !

~ દિવ્યા રાજેશ મોદી

🍀

*હૂંફાળો મળે*

જિંદગીનો એ રીતે બસ અર્થ મર્માળો મળે
કે શિયાળો પણ મળે તો ખૂબ હૂંફાળો મળે !

કોયલોને બાગમાં જો મહેકતો માળો મળે
વૃક્ષની હર ડાળ પર ટહુકાનો સરવાળો મળે !

સ્નેહભીનો કોઇનો જો સ્પર્શ સુંવાળો મળે
ભર ઉનાળે વિસ્તરેલો કોઇ ગરમાળો મળે !

એક આખું આયખું કોરાં રહી જીવી ગયાં
આંખની ભીનાશમાં એ વાતનો તાળો મળે !

હાથમાં મારાં તમારી આ હથેળી લઉં અને
ધોમધખતા રણ વચાળે દ્વિપ હરિયાળો મળે !! 

~ દિવ્યા રાજેશ મોદી

એક હૂંફાળી, મર્માળી કવિતા એટલે ‘ટહુકાનો સરવાળો’. આમ તો ટહુકાનો સરવાળો કરવાને બદલે ગુણાકાર કર્યો હોય તો વધારે ભરપૂર લાગે ! અથવા એને સરવાળો કે ગુણાકાર જેવા આંકડાકીય શબ્દો વગર રાખ્યું હોય તો ! પણ આપણી નિસ્બત એના ટહુકા સાથે અને એમાં વસેલી ભીનાશ સાથે છે જે આ કવિતામાં ભરપૂર મળે છે.

આખુંય કાવ્ય અપેક્ષાનું કાવ્ય છે. હૂંફનો, પ્રેમનો તલસાટ શબ્દે શબ્દમાં વ્યક્ત થાય છે. જિંદગી જીવવી છે પણ અર્થપૂર્ણ… બસ એમ જ જીવી જવાનું કવિને મંજૂર નથી. કદાચ આ દરેક માનવીની ઝંખના હશે પણ પછી એ જડ જે જાડી ચામડીનો કેમ બની જતો હશે ? સંજોગો એને એવો બનાવતા હશે કે એના સંસ્કારો ? જે હોય તે અહીં તો કવિની અભીપ્સા છે …. એ શિયાળામાં કડકડતી ઠારી નાખતી ટાઢને બદલે એક હૂંફાળી ઠંડી ઇચ્છે છે. વૃક્ષની ડાળ પર કોયલ ટહૂક્યા કરતી હોય એવો માળો એ એનું સપનું છે. કોઇનો સ્નેહથી ભર્યો ભર્યો ભીનો સ્પર્શ મળે તો બીજું શું જોઇએ ? ભરતડકે જાણે વિસ્તરલા ગરમાળાની છાંયા ! સ્પર્શ એ એક જુદી જ અનુભુતિ છે. એક સ્નેહભીના સ્પર્શની તોલે કશું ન આવે. મીઠો સ્પર્શ જે તાકાત આપે છે, જે હિંમત આપે છે તે અમૂલ્ય છે. સ્પર્શમાં ડૂબતાંને બચાવવાની તાકાત છે.

‘એક આખું આયખું કોરાં રહી જીવી ગયાં, આંખની ભીનાશમાં એ વાતનો તાળો મળે !’ આ કોરા રહેવાની વાત વગરનો કોઇ કવિ હશે ખરો ? આ કદાચ એક સાર્વત્રિક ભાવના છે. સતત સ્નેહ, પ્રેમની ઝંખના માનવીની મૂળભુત જરૂરિયાત ખરી પણ પણ જે મળે એ ઓછું પડે, કોરા રહેવાની અનુભુતિને કાવ્યનું જન્મસ્થાન ગણી શકાય ? અહીં પણ એ જ વાત છે. આખી જિંદગી કોરીધાકોર વીતી ગઇ અને આંખની ભીનાશ એની સાક્ષી પુરાવે છે. જો કે… આટલું જ નથી.. અધૂરપની આટલી અમથી વાત પછી તરત આશાના કિરણો ફૂટે છે. ‘હાથમાં તમારી હથેળી મળે અને મને ધોમધખતા રણ વચ્ચે એક હરિયાળો ટાપુ મળી જાય..’ હજી કોઇના હૂંફાળા હાથની અપેક્ષા છે એટલે આયખું જેટલું કોરું ગયું એટલું ભલે પણ પંથ હજી લાંબો કાપવાનો બાકી છે અને એ જ મજાની વાત છે.

સરવાળે આખી ગઝલ સુખની કે સુખની અપેક્ષાની છે, હૂંફની વ્હાલની અપેક્ષાની છે. થોડોક ઝુરાપો છે ને ચપટીક ભીનાશ પણ છે. એ માટે જુદી જુદી કલ્પનાઓ અને પ્રતીકોનો સરસ મજાનો ઉપયોગ થયો છે. હૂંફાળો માળો અને એમાં કોયલનું ટહુકવું આ પ્રતીકો એ સ્પષ્ટ રીતે આ ગઝલને એક સ્ત્રીની ગઝલ દર્શાવે છે.

અહીં કંઇક ખુશી, કંઇક ઉદાસીના મિશ્રભાવથી  ભરી શ્યામ સાધુની એક ગઝલ યાદ આવે છે.

કાવ્યસેતુ કૉલમ @ દિવ્ય ભાસ્કર @ 16.7.2013

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “દિવ્યા રાજેશ મોદી ~ જિંદગીનો એ & હું તને * Divya Rajesh Modi”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    ગઝલ અને લેખ બંને પ્રશંસનીય

Scroll to Top